જર્મન બિઝનેસ ડેલીગેશનની સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક, ઉદ્યોગોમાં વધુ રોકાણ માટે હેલ્પ ડેસ્ક શરૂ કરાશે

ગાંધીનગર : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જર્મનીના સ્ટેટ સેક્રેટરી સ્ટીફન રૂએન હોફના નેતૃત્વમાં જર્મની બિઝનેસ ડેલીગેશને ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ ડેલિગેશન ભારત-જર્મન સી.ઈ.ઓ. ફોરમમાં સહભાગી થવા ભારત-ગુજરાતની મુલાકાતે આવેલું છે. જ્યારે જર્મનીના ઉદ્યોગોના રોકાણોને વધુ સુવિધાપૂર્ણ બનાવવા હેલ્પ ડેસ્ક શરૂ કરવાના મુખ્યમંત્રીએ દિશાનિર્દેશ આપ્યા છે.
જર્મનીની એક્સપર્ટીઝનો લાભ ગુજરાતને મળે તેવી અપેક્ષા
આ ડેલિગેશનના સભ્યોએ ગુજરાત દેશના જીડીપી ગ્રોથમાં 8 ટકાથી વધુનું જે મહત્વનું યોગદાન આપે છે તેનાથી પ્રભાવિત થતા કહ્યું કે, તેઓ ખાસ કરીને એસ.એમ.ઈ. સેક્ટરમાં બિઝનેસ એન્ડ ઇકોનોમી સંબંધો વધારવા ઉત્સુક છે. પ્રિસિઝન એન્જીનીયરીંગ અને ટેક્નોલોજી સેક્ટરની જર્મનીની એક્સપર્ટીઝનો લાભ ગુજરાતને મળે તેવી અપેક્ષા મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.
હેલ્પ ડેસ્ક શરૂ કરવાના દિશાનિર્દેશ
તેમણે આ બેઠકની ચર્ચાઓ દરમિયાન જણાવ્યું કે, વડાપ્રધાન જર્મની સાથે વિશ્વાસુ મિત્ર તરીકે આગળ વધવા માગે છે તે સંજોગોમાં ગુજરાત અને જર્મનીના ઔદ્યોગિક સંબધોને વધુ ઉંડાણ પૂર્વકના અને લાંબાગાળા માટે વિકસાવીને ગુજરાતમાં જર્મન કંપનીઓના ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ વધુ વેગ મળે તેવી અમારી નેમ છે. મુખ્યમંત્રીએ જર્મન ઉદ્યોગોના રોકાણોને વધુ સુવિધાપૂર્ણ બનાવવા હેલ્પ ડેસ્ક શરૂ કરવાના દિશાનિર્દેશ પણ આ બેઠકમાં આપ્યા હતા.
રિન્યુઅલ એનર્જીમાં ગ્રીડ અને સ્ટોરેજની જર્મન ટેકનોલોજીની એક્સપર્ટીઝનો સહયોગ
જર્મન સ્ટેટ સેક્રેટરી સ્ટીફન રૂએન હોફે ચર્ચા દરમિયાન જણાવ્યું કે, જર્મની પોતાની સપ્લાય ચેઈન ડાયવર્સીફાઈ કરવા ઈચ્છે છે તેમાં ગુજરાત તેમની પસંદ બને તે માટે લોજિસ્ટિક્સ, પ્રોડક્શન સ્ટ્રક્ચર અને ઇકોનોમિક ફ્રેમ વર્કમાં જે ચેલેન્જીસ છે તે રીઝોલ્વ થાય તેવી તેમની અપેક્ષા છે.તેમણે ઉમેર્યુ કે, ગુજરાત એનર્જી સેક્ટરમાં અગ્રેસર છે તેમાં રિન્યુઅલ એનર્જીમાં ગ્રીડ અને સ્ટોરેજની જર્મન ટેકનોલોજીની એક્સપર્ટીઝનો સહયોગ મળી શકે તેમ છે.
ગુજરાતે પોલીસી ડ્રિવન સ્ટેટ તરીકેની આગવી ઓળખ બનાવી
ગુજરાતે પોલીસી ડ્રિવન સ્ટેટ તરીકેની આગવી ઓળખ બનાવી છે. હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પોલિસી, આઇ.ટી. પોલીસી, ગ્રીન હાઈડ્રોજન પોલીસી વગેરે સેક્ટર સ્પેસિફિક પોલીસીઝનો લાભ લઈને જર્મનીના ઉદ્યોગો પોતાને અનુકુળ સેક્ટર્સમાં ગુજરાત સાથે સહભાગીતા કરી શકે છે. પ્રિસિઝન એન્જિનિયરિંગ અને ટેકનોલોજી સેક્ટરમાં જર્મનીની તજજ્ઞતાનો લાભ ગુજરાતને મળે તેવી તેમની અપેક્ષા છે. આ ડેલીગેશનના સભ્ય અને સિમેન્સના સી.ઈ.ઓ. રોનાલ્ડ બુશે પણ ગુજરાતમાં એસ.એમ.ઈ અને અન્ય ઉદ્યોગો સપ્લાય ચેઈનનો ભાગ બને અથવા સપ્લાય ચેઈન ડેવલપ કરવામાં ઉપયોગી થઈ શકે તે અંગેના સૂચનો આપ્યા હતા.
જર્મનીના વિવિધ ક્ષેત્રોના જે 30 થી વધુ અગ્રણી ઉદ્યોગ-રોકાણકારો જોડાયા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની આ બેઠકની ચર્ચામાં જર્મનીના વિવિધ ક્ષેત્રોના જે 30 થી વધુ અગ્રણી ઉદ્યોગ-રોકાણકારો જોડાયા હતા તેમા ડૉ. કાર્લ બિત્ઝર મેનેજીંગ ડિરેક્ટર Delo industrieklebstoffe,બ્રુકનર ટ્રોકેન્ટેકનિકના સી.ઈ.ઓ. રેજીના બ્રુકનર, વેબસ્ટો એસ.ઈ.ના સી.ઈ.ઓ. જોર્ગ બુચહેમ, TKMS AGના એમ.ડી. ઓલિવર બર્કહાર્ડ, ડૉ. વુલ્ફ ગ્રુપના મેનેજિંગ પાર્ટનર એડ્યુઅર્ડ રિચાર્ડ ડોરેનબર્ગ વગેરેનો સમાવેશ થાય છે. આ ડેલીગેશનના સૌ સભ્યોએ ગુજરાતના આતિથ્ય સત્કારની પણ પ્રશંસા કરી હતી.
આપણ વાંચો: રાજકોટના આટકોટમાં બાળકી પર દુષ્કર્મ ગુજારનારો નરાધમ દોષિતઃ 34 દિવસમાં કોર્ટે આપ્યો ચુકાદો



