ગાંધીનગર

Vibrant Summit પૂર્વે ગાંધીનગરની કાયાપલટ કરાશે, 300 કરોડના ખર્ચે માર્ગોને આઈકોનિક બનાવાશે

અમદાવાદઃ  ગુજરાતમાં જાન્યુઆરી 2026માં યોજાનાર વાઇબ્રન્ટ સમિટ(Vibrant Summit)મુદ્દે ગાંધીનગર શહેરને સજાવવા માટે મહાનગરપાલિકા દ્વારા ખાસ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત વીવીઆઇપી મૂવમેન્ટ ધરાવતા વિવિધ માર્ગોને આઇકોનિક બનાવવા, સ્ટ્રીટ ડેવલપમેન્ટ અને બ્યુટીફિકેશન સહિતના 300 કરોડ રૂપિયાના કામો હાથ ધરવામાં આવશે. આ કામગીરી માટે 300 કરોડ રૂપિયાની કામગીરી પૈકી 280.85 કરોડની ગ્રાન્ટ ફાળવવા મહાનગરપાલિકા દ્વારા ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડને દરખાસ્ત મોકલવામાં આવશે.

સ્થાયી સમિતિ દ્વારા આ દરખાસ્તને મંજૂરી આપવામાં આવી

વાઇબ્રન્ટ સમિટ દરમિયાન દેશ વિદેશના મહાનુભાવો ગાંધીનગરની મુલાકાત લેતા હોય છે. જેથી વીવીઆઇપી મૂવમેન્ટ ધરાવતા વિસ્તારોમાં બ્યુટીફિકેશન પર ખાસ ભાર મૂકવામાં આવે છે. મહાનગરપાલિકા દ્વારા આ માટે આઇકોનિક રોડ અને સ્ટ્રીટ ડેવલપમેન્ટના ખાસ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. આ તમામ કામો સરકારની ગ્રાન્ટમાંથી હાથ ધરવામાં આવશે. મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ દ્વારા આ દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે.

પબ્લિક યુટીલીટીના કામો 76.75 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવશે

ગાંધીનગર શહેરના કુડાસણમાં મહાનગરપાલિકા દ્વારા સ્ટ્રીટ ડેવલપમેન્ટનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે. રીલાયન્સ ચાર રસ્તાથી કંસાર ચાર રસ્તા સુધીના માર્ગ પર આ કામગીરી 19.60 કરોડના ખર્ચે હાથ ધરાશે.મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલા એક્શન પ્લાન પ્રમાણે ધોળાકુવા સર્કલથી ધોળેશ્વર મહાદેવ બ્રિજ સુધીમાં ગાંધીનગર બાયપાસ રોડનું ડેવલપમેન્ટ અને પબ્લિક યુટીલીટીના કામો 76.75 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવશે.

આ કુલ ખર્ચ પૈકી 69.75 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મેળવવા માટે સરકારમાં દરખાસ્ત કરવામાં આવશે. ઇન્દિરાબ્રિજથી કોબા અને કોબાથી તપોવન સર્કલ સુધીના માર્ગ પર 138 કરોડ રૂપિયાના ખર્ચે સ્ટ્રીટ ડેવલપમેન્ટ થશે. સાથે રક્ષાશક્તિ ફ્લાયઓવર નીચેની ખુલ્લી જગ્યામાં પણ યુટીલિટીના કામો કરાશે. આ કુલ ખર્ચ પૈકી 126 કરોડ સરકાર પાસેથી મેળવાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button