ગાંધીનગરમાં પાણીની પાઈપલાઈનમાં લિકેજ માટે જવાબદારો સામે પગલાં લેવા સીએમને રજૂઆત

ગાંધીનગર: ગુજરાતના પાટનગર ગાંધીનગરના જુના સેક્ટરોમાં ફાટી નીકળેલા ટાઈફોડના રોગચાળાના કારણે રાજ્ય સરકાર અને શહેર મનપા તંત્રની પોલ ખુલી ગઈ છે. ગાંધીનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી ગટરની લાઈન અને પીવાના પાણીની લાઈનોમાં લિકેજ હોવાને કારણે દૂષિત પાણી પુરવઠો આવી રહ્યો છે. આ ગંભીર બેદરકારીને કારણે અત્યાર સુધીમાં ૧૫૦ થી વધુ લોકો ટાઈફોઈડનો ભોગ બની હોસ્પિટલમાં દાખલ થયા છે. અત્યંત દુઃખદ બાબત એ છે કે, આ રોગચાળાને કારણે એક બાળકનું મૃત્યુ પણ નીપજ્યું છે.
પાઈપલાઈન બદલવા માંગ
હવે તો સત્તાધિશોએ પણ સ્વીકારી લીધું છે કે, રોગચાળા માટે પાણીની પાઈપલાઈનમાં લિકેજ જવાબદાર છે. પાટનગર યોજના વિભાગ અને પાણી પુરવઠા બોર્ડની સાથે મ્યુનિ તંત્ર લિકેજ દૂર કરવા દોડધામ કરી રહ્યું છે, પરંતુ ગાંધીનગરના જાહેર આરોગ્યને બીમાર બનાવી દેનારા જવાબદારો સામે કાર્યવાહી થતી નથી. ગાંધીનગર શહેર વસાહત મહાસંઘે આ મામલે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી અને નબળી કામગીરી કરનારી એજન્સી સામે પગલાં લેવા માગણી કરી હતી. આ સાથે જ ગટર-પાણી લાઈનનું સેગ્રીગેશન કરવાની જરૂરિયાત પર ભાર મૂકતા જણાવાયું હતું કે, જ્યાં લાઈનો મિશ્રિત થઈ છે ત્યાં “રૂટ કોઝ એનાલિસિસ” કરીને પાઈપલાઈન બદલવી જોઈએ.
આ પણ વાંચો : પાણીની પાઈપલાઈનમાં લીકેજ રોકવા રૂ. ૧૩૩ કરોડ ખર્ચાશે
એક જ વિભાગને સોંપી જવાબદારી નકકી કરવી જોઈએ
વસાહત મહાસંઘના પ્રમુખ કેશરીસિંહ બિહોલાએ કહ્યુ હતું કે, પાણી સપ્લાયનું કામ સિંચાઈ વિભાગ કરે છે, જ્યારે પાટનગર યોજના વિભાગ દ્વારા પાણીનુ શુદ્ધિકરણ થાય છે અને વિતરણ વ્યવસ્થા ગુજરાત પાણી પુરવઠા વિભાગ કરે છે. આ ત્રણે વિભાગોના સંકલનના અભાવે કોઈ જવાબદારી ફિકસ થતી નથી અને એકબીજા પર ટોપલો નાખી છટકી જાય છે. નાગરિકો થઈ રહેલી હેરાનગતિ દૂર કરવા માટે સત્વરે આ સમગ્ર કામગીરી એક જ વિભાગને સોંપી જવાબદારી નકકી કરવી જોઈએ.
10થી 15 દિવસ સુધી ફોલો-અપ સર્વે થવો જોઈએ
દર્દીઓને અસરકારક સારવાર માટે સૂચન કરતાં તેમણે કહ્યુ હતું કે, ટાઈફોડના લક્ષણો મોડા દેખાતા હોય છે, તેથી માત્ર એકવાર તપાસ કરવાને બદલે અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત 10થી 15 દિવસ સુધી ફોલો-અપ સર્વે થવો જોઈએ. આદિવાડા જેવા ગ્રામ્ય વિસ્તારના લોકો હોસ્પિટલ જવાને બદલે અન્ય ઉપાયો ન કરે તે સ્થાનિક આગેવાનો અને આશા વકૅરો દ્વારા કાઉન્સિલ કરી તુરત હોસ્પિટલમા દાખલ કરવાની વ્યવસ્થા થવી જોઈએ.



