ગાંધીનગર સાઇકો કિલરનું એન્કાઉન્ટર: આરોપીના શરીરમાંથી મળી 10 ગોળી, પરિવારે ડેડબોડી સ્વીકારવાનો કર્યો ઈનકાર | મુંબઈ સમાચાર
ગાંધીનગર

ગાંધીનગર સાઇકો કિલરનું એન્કાઉન્ટર: આરોપીના શરીરમાંથી મળી 10 ગોળી, પરિવારે ડેડબોડી સ્વીકારવાનો કર્યો ઈનકાર

ગાંધીનગરઃ પાટનગરના અંબાપુર નર્મદા કેનાલ પાસે બુધવાર સાંજે સાઇકો કિલરનું પોલીસે એકાઉન્ટર કર્યું હતું. હાલમાં આરોપીની ડેડબોડીનું ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પેનલ પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. પ્રાથમિક રિપોર્ટ મુજબ સાઇકો કિલરની બોડીમાંથી 10 ગોળી મળી છે. આરોપીને છાતી, હાથે, સાથળમાંથી આ ગોળીઓ મળી છે. આ ઉપરાંત, આરોપીના પરિવારજનોએ ડેડબોડી સ્વીકારવાની ના પાડી હતી, જેથી નિયમ મુજબ ડેડબોડી કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવશે. જો આરોપીનું કોઈ સ્વજન બોડી ક્લેઇમ કરશે તો મૃતદેહ સોંપી દેવાશે. નહીંતર પોલીસના નિયમો મુજબ અંતિમક્રિયા કરશે.

વૈભવ મનવાણીના મર્ડર અને લૂંટ કેસના રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ પોલીસની રિવોલ્વર છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો, જેથી પોલીસે સ્વબચાવમાં તાત્કાલિક ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં ત્રણ પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાઇકો કિલરને રાજકોટના માંડા ડુંગર પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.

આરોપી વિપુલ પરમારને પકડવા ક્રાઈમ બ્રાન્ચની ટીમ 3 દિવસ સુધી રાતે કેનાલ પર સામાન્ય માણસની જેમ બાઇક અને સાઇકલ પર ફરતી રહી હતી. જોકે આરોપી તેની બહેનના ઘરે રાજકોટ હોવાની શંકા લાગતા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રાજકોટ જઈને આરોપીની ધરપકડ કરી હતી. ઇજાગ્રસ્ત યુવતીએ મોઢા પર નખ માર્યા તેનાથી ઓળખ કરી લીધી હતી.

આરોપી દૂરથી પોલીસને જોઈને ભાગી રહ્યો હતો. જોકે પોલીસે પહેલાથી જ આરોપીને પકડવા માટે પ્લાનિંગ કર્યું હોવાથી આરોપી ભાગવા લાગ્યો.આરોપીએ અડધો કિમી સુધી પોલીસને દોડાવ્યા હતા. જે બાદ આરોપીને પકડી લેવામાં આવ્યો હતો.આરોપીને પકડતા જ તેને મોઢા પરથી ઇજાના નિશાન પણ મળ્યા હતા. જેથી આ જ આરોપી હોવાનું પોલીસને જાણ થઈ હતી. પોલીસ વિપુલને લઈને અમદાવાદ પહોંચી હતી. આરોપીને કસ્ટડી અડાલજ પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.

આરોપીનો છે ગુનાહિત ઇતિહાસ

વિપુલ પરમાર જામીનમુક્ત થયો હતો. તે કેનાલ પાસે ઊભાં રહેતાં પ્રેમી-પંખીડાંને જ લૂંટ વિથ મર્ડર માટે નિશાન બનાવતો હતો. આ શખસે લગ્ન માટે છોકરીઓ જોઈ હતી, પરંતુ તેના લગ્ન થઈ શક્યા નહોતા. એને કારણે તે કોઈ પણ યુગલને જોતાં જ તેમના પર હુમલો કરતો હતો. પોતાના લગ્ન થતા ન હોવાથી ચિંતાને કારણે માનસિક રીતે બીમાર થઈ ગયો હતો. તે અગાઉ પણ કેટલાક ગુનાઓમાં પકડાયેલો છે અને તેને જેલ પણ થઈ ચૂકી છે.

શું છે મામલો

ગાંધીનગરના અડાલજ વિસ્તારમાં આવેલા અમીયાપુર નજીક કેનાલ પાસે શનિવારે લૂંટ વિથ મર્ડરનો બનાવ બન્યો હતો. શહેરના સરદારનગર વિસ્તારમાં રહેતા વૈભવ નામના યુવકનો જન્મદિવસ હોવાથી તે એક યુવતી સાથે અમીયાપુર નજીક કેનાલ પાસે બર્થડે મનાવવા ગયો હતો.

આ દરમિયાન, કેટલાક અસામાજિક તત્વોએ તેમના પર હુમલો કર્યો હતો. અમદાવાદના રહેવાસી વૈભવનો મૃતદેહ રસ્તા પર પડ્યો હતો, તેના શરીર પર તીક્ષ્ણ હથિયારના ઊંડા ઘા હતા. તેની સાથે રહેલી મોટેરા વિસ્તારની આસ્થા અર્ધબેભાન અવસ્થામાં અને અનેક ઈજાઓ સાથે નજીકમાં મળી આવી હતી. તેને તાત્કાલિક અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ તેની ઈમરજન્સી સર્જરી કરી હતી. વૈભવની કાર કેનાલના પુલ પર થોડા અંતરે મળી આવી હતી.

આ પણ વાંચો…મૃતક વૈભવના પરિવારને આભાર માન્યો, સાઇકો કિલર વિપુલની માતા કહી આ વાત…

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button