વારંવાર ટ્રાફિક ભંગ કરતા હો તો સુધરી જાજો, પોલીસે તૈયાર કરી યાદી

ગાંધીનગરઃ ગુજરાતમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા ઇસમોની ખેર નથી. ગાંધીનગરમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેમાં પાંચથી વધુ વખત ટ્રાફિક નિયમોનો ઉલાળિયો કરનારા સામે તંત્રએ કામગીરી શરૂ કરી હતી. જેના કારણે નિયમોનો ઉલાળિયો કરનારા વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગાંધીનગરમાં વારંવાર ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા 525 લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે. આ લોકોને નોટિસ આપવામાં આવશે. પોલીસ દ્વારા કંટ્રોલ રૂમથી ઈ ચલણ ઈશ્યૂ કરવામાં આવશે. એકના એક વાહન ચાલક દ્વારા પાંચ વખતથી વધુ ટ્રાફિક નિયમોનો ભંગ કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી હતી.
આ પણ વાંચો: અમદાવાદની બહાર પણ ટ્રાફિક સમસ્યા: ટ્રાફિકના નિયમભંગનો રાફડો ફાટ્યો
ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં હેલ્મેટ મુદ્દે પ્રથમ દિવસે જ વાહન ચાલકોમાં ફાટી નીકળેલા રોષ અને પ્રજાના પ્રતિનિધિઓની રજૂઆત બાદ સરકાર નરમ પડી હતી. રાજકોટના ધારાસભ્યો ઉદય કાનગઢ, રમેશ ટીલાળા અને ડો.દર્શિતા શાહે રાજ્યના ગૃહ પ્રધાન સમક્ષ સફળ રજૂઆત કરી હતી. તેમણે લોકોને દંડવાને બદલે ગુલાબનું ફૂલ આપી સમજાવવા માટે વિનંતી કરી હતી. જે બાબતે સંઘવીએ પણ સરકાર પોઝિટિવ હોવાનું જણાવ્યું હતું. જેથી હવે રાજકોટમાં હેલ્મેટ ન પહેરતા લોકોને દંડવામાં નહીં આવે અને સામાજિક જાગૃતિ આપી સમજાવવામાં આવશે તેવું ધારાસભ્ય ટીલાળાએ જણાવ્યું હતું. બીજી તરફ પોલીસ કમિશનરે અચાનક પ્રેસ કોન્ફરન્સ કરી હેલ્મેટ પહેરતા લોકોને આભાર વ્યક્ત કર્યો હતો. જોકે આ દરમિયાન હેલ્મેટ ન પહેરતા ભાજપના લોકોને શા માટે દંડવામાં ન આવ્યા તેવું પૂછવામાં આવતા તેમને દરેક જગ્યાએ પોલીસ અવેલેબલ ન હોય તેવું કહી જવાબ આપવાનું ટાળ્યું હતું.