ગાંધીનગરના કુખ્યાત ભરત રબારી સહિત છ શખ્સો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી, અજમલ રબારીની ધરપકડ

ગાંધીનગર : ગુજરાતમાં વધી રહેલા સંગઠીત અપરાધોને રોકવા પોલીસે ગેંગના નેતા અને ગુનેગારો સામે કડક હાથે કાર્યવાહી શરૂ કરી છે. રાજ્યના ગાંધીનગર, અમદાવાદ,પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં સંગઠિત ગુનાખોરી આચરીને આતંક મચાવતા ગાંધીનગરના કુખ્યાત ભરત સુખાભાઇ રબારી સહિત છ શખ્સો ગેંગ વિરુદ્ધ લોકલ ક્રાઈમ બ્રાંચે કડક રીતે કાયદાનો સકંજો કસ્યો છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ ગેંગના કુલ 6 સભ્યો વિરુદ્ધ સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ગુજસીટોક એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અજમલ રબારીની ધરપકડ કરી હતી.
ઓર્ગેનાઈઝડ ક્રાઈમ માટે ગેંગ બનાવી હતી
આ અંગે જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી ગાંધીનગર શહેરમાં રહેતા ભરત સુખાભાઇ રબારીએ (હાલ રહે. પ્લોટ નંબર 258/1, સેક્ટર 4એ, મુળ રહે. શીપર ગામ, તા.શંખેશ્વર જી.પાટણ) ઓર્ગેનાઈઝડ ક્રાઈમને અંજામ આપવા તેના સાગરીતો હરીભાઇ સુખાભાઇ રબારી ( મકવાણા)(હાલ રહે. મ.નં – એ/404, શિક્ષાપત્રી સ્કાયકોર્ટ, સરગાસણ), અજમલ સુખાભાઇ રબારી (હાલ રહે. 258/1, સેક્ટર – 4 એ) ,બળદેવભાઇ વિરમભાઇ રબારી (આલ) (હાલ રહે. મ.નં.- 502, શ્રીરંગ નેનોસીટી, સરગાસણ, ગમુળ રહે. ભલગામ, તા.પાટડી),ભોજાભાઇ ભુરાભાઇ ભરવાડ (હાલ રહે. મ.નં.- બી/503, શ્રીરંગ નેનોસીટી, સરગાસણ, મુળ રહે. જાડીયાણા ગામ, તા.પાટડી) અને રવિ સેવંતીભાઇ નાયી (રહે. ગોકુલપુરાના છાપરામાં, સેક્ટર – 14) ની ગેંગ બનાવી હતી.
રૂપિયા 50 લાખની ખંડણી માંગી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી
આ ગેંગે ગંભીર પ્રકારના મિલકત તથા શરીર સંબંધિત ગુનાઓ આચરી ગાંધીનગર, અમદાવાદ , પાટણ તથા સુરેન્દ્રનગર જીલ્લામાં ભયનો માહોલ ઉભો કર્યો હતો. માથાભારે ભરત રબારી સહિતની ગેંગ અંગે ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતાં તાજેતરમાં ગેંગ લીડર ભરત રબારીએ તેના સાગરીતો સાથે મળી પાટણના રાધનપુર ખાતે ફાયર આર્મ્સ હથિયાર સાથે બે જણ પર જીવલેણ હુમલો કરી રૂપિયા 50 લાખની ખંડણી માંગી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.
કુલ 9 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે
ગેંગનો ગુનાહિત ઇતિહાસ રહ્યો છે, ભૂતકાળમાં હત્યાનો પ્રયાસ, બળજબરીથી લૂંટ ચલાવવી, આર્મ્સ એકટ, ગેરકાયદેસર મંડળી રચી હથિયાર સાથે હુલ્લડ કરવા, બનાવટી દસ્તાવેજો ઉભા કરી કિંમતી જમીન પચાવી પાડવી, ધાકધમકી આપવા સહિતના અસંખ્ય ગુનાઓ નોંધાયેલ હતા. આ તમામ આરોપીઓ એકબીજા સાથે ઉપરોકત ગુનાઓમાં ભૂતકાળમાં પકડાયા હતા. આ ગેંગ વર્ષ 2016થી સક્રિય હતી અને અત્યાર સુધીમાં તેમની વિરુદ્ધ ગાંધીનગર, અમદાવાદ, પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં કુલ 9 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ ગેંગના સભ્યો જમીન પચાવી પાડવી, હથિયારો વડે હુમલો કરવો અને વેપારીઓ પાસેથી લાખોની ખંડણી ઉઘરાવવા જેવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે.
આ પણ વાંચો વડોદરાના ગોરવામાં પાણી મુદ્દે લોકોમાં રોષ, ધારાસભ્ય અને ડેપ્યુટી મેયરના ફોટો પર ગંદુ પાણી રેડ્યું



