ગાંધીનગર મહાનગરપાલિકાનો મ્યુનિસિપલ બોન્ડ ૯ ગણો સબસ્ક્રાઈબ થયો
રૂ. ૨૫ કરોડના બોન્ડ ઈસ્યુ સાઈઝ સામે રૂ. ૨૨૫ કરોડની ઓફર મળી

અમદાવાદઃ વર્ષ ૨૦૧૦માં સ્થપાયેલી ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા એનએસઈ પર રૂ. ૨૫ કરોડના મ્યુનિસિપલ બોન્ડ ખુલ્લા બજારમાંથી મેળવવા માટે ઓફર મૂકી હતી. આ ઓફરને નાગરિકોએ બહોળો પ્રતિસાદ આપ્યો હતો. ગાંધીનગર મહાનગરપાલિકાનો મ્યુનિસિપલ બોન્ડ આજે માત્ર એક જ મિનીટમાં ૯ ગણો ઓવર સબસ્ક્રાઈબ થયો હતો. જેનો કુપન રેટ ૭.૬૫ ટકા મળ્યો છે. જીએમસીના રૂ. ૨૫ કરોડના બોન્ડ ઈસ્યુ સાઈઝ સામે રૂ. ૨૨૫ કરોડની ઓફર મળી છે.
ગાંધીનગર મહાનગરપાલિકાએ બે વર્ષથી ઓડિટ, રેટીંગ અને મંજુરીની પ્રકીયામાંથી પસાર થઈને મ્યુનિસિપલ બોન્ડ મેળવવામાં સફળ થઇ છે. મ્યુનિસિપલ બોન્ડ મેળવવા માટે ગાંધીનગરપાલિકાને કેર–(એએ) અને ક્રિસિલ (-એએ) રેટીંગ મળ્યું છે. મ્યુનિસિપલ બોન્ડ મેળવવાથી મહાનગરપાલિકાના નાંણાકીય હિસાબોમાં શિસ્ત અને પારદર્શિત વધશે. નાણાકીય હિસાબોનું થર્ડ પાર્ટી દ્વારા સુપરવિઝીન અને મોનિટરીંગ પણ કરવામાં આવશે.
આ પણ વાંચો:ગાંધીનગરના કોબા સર્કલ પાસે નિર્માણાધીન બિલ્ડિંગની દીવાલ ધરાશાયી, શ્રમિકો દટાયા
ગાંધીનગર મહાનગરપાલિકા મ્યુનિસિપલ બોન્ડ મેળવનારી રાજ્યની પાંચમી મહાનગરપાલિકા બની છે. ભૂતકાળમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ મહાનગરપાલિકાએ મ્યુનિસિપલ બોન્ડ મેળવવામાં સફળતા મેળવી છે. ગાંધીનગર મહાનગરપાલિકા સમગ્ર દેશમાં મ્યુનિસિપલ બોન્ડ મેળવનારી ૧૭મી મહાનગરપાલિકા બની છે.
મ્યુનિસિપલ બોન્ડ મેળવનાર ગાંધીનગર મહાનગરપાલિકા દેશની પ્રથમ ૨૦ મહાનગરપાલિકા પૈકી એક હોવાથી, ભારત સરકાર દ્વારા પ્રોત્સાહન તરીકે ગાંધીનગર મહાનગરપાલિકાને આશરે રૂ. ૩.૨૫ કરોડની વ્યાજ સબસિડી મળશે, તેમ ગાંધીનગર મહાનગરપાલિકાની અખબારી યાદીમાં જણાવાયું છે.