ગાંધીનગરના કલોલમાં વૃદ્ધ ડિજિટલ અરેસ્ટના શિકાર બન્યા, સાયબર ઠગે 49 લાખ પડાવ્યા

અમદાવાદઃ ગાંધીનગર જિલ્લાના કલોલના વૃદ્ધ ડિજિટલ અરેસ્ટના શિકાર બન્યા હોવાનો બનાવ ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસમાં નોંધાયો હતો. 45 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરી રૂ.66 કરોડના ફ્રોડનું કહી ગભરાવી મુક્યા હતા અને સાયબર ઠગ રૂ. 49 લાખ પડાવી ગયો હોવાની ફરિયાદના આધારે તપાસ હાથ ધરાઈ છે.
રૂ. 66 કરોડના ફ્રોડમાં તમારું નામ આવ્યું
આ અંગે મળતી માહિતી મુજબ કલોલમાં પુસ્તકાલય ચલાવી નિવૃત્ત જીવન જીવતા વૃદ્ધને 10 ઓક્ટોબર 2025ના રોજ બપોરે એક અજાણ્યા નંબર પરથી આવેલા ફોનમાં ટેલિકોમ વિભાગમાંથી અભિમન્યુ બોલતા હોવાનું કહી તેણે જણાવ્યું હતું કે, તમારા પર કેસ થયો છે અને થોડીવારમાં દિલ્હી પોલીસના અધિકારી નિરજ ઠાકુરનો ફોન આવશે. ત્યારબાદ નિરજ ઠાકુર નામના શખ્સે વીડિયો કોલ મારફતે વૃદ્ધનો સંપર્ક કરી ભય બતાવ્યો હતો કે તમારા આધાર કાર્ડનો દુરુપયોગ થયો છે અને ICICI બેંકમાં રૂ. 66 કરોડના ફ્રોડમાં તમારું નામ આવ્યું છે.
આ પણ વાંચો : ગુજરાતમાં ‘ડિજિટલ અરેસ્ટ’નો આતંક: 3 લોકોની જીવનભરની મૂડી પોલીસે બચાવી, અને…
વૃદ્ધને માનસિક રીતે તોડી નાખવા ડિજિટલ અરેસ્ટ ની પદ્ધતિ અપનાવી
આ ઠગોએ વૃદ્ધને માનસિક રીતે તોડી નાખવા ” ડિજિટલ અરેસ્ટ” ની પદ્ધતિ અપનાવી હતી. તેમને સતત કેમેરા સામે રહેવા અને દર કલાકે “I am Safe” તેવો મેસેજ વોટ્સએપ પર મોકલવા મજબૂર કર્યા હતા. 10 ઓક્ટોબરથી 24 નવેમ્બર 2025 દરમિયાન આ ઠગોએ વૃદ્ધના શેર બજાર અને SIPના રોકાણો વિડ્રો કરાવી લીધા હતા.
કુલ રૂ. 49 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા
તપાસના બહાને આ રકમ RBIમાં જમા કરાવવી પડશે અને નિર્દોષ જાહેર થશો તો વ્યાજ સાથે પરત મળશે તેવી લાલચ આપી ઠગોએ અલગ-અલગ બેંક ખાતામાં કુલ રૂ. 49 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા અને વૃદ્ધનો વિશ્વાસ જીતવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ખોટા લેટરપેડ પર પેમેન્ટ મળ્યાની બનાવટી રિસિપ્ટો મોકલી હતી. 24 નવેમ્બરના રોજ કેસ બંધ થઈ ગયો હોવાનું કહી ઠગોએ સંપર્ક કાપી નાખ્યો હતો. તેમજ અઠવાડિયા સુધી નાણાં પરત ન આવતા વૃદ્ધને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો ખ્યાલ આવ્યો હતો. જેથી તેમણે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસમાં ગુનો નોધ્યો હતો.



