પાટનગર કે ‘ક્રાઇમ કેપિટલ’? ઇન્દ્રોડામાં રિક્ષા ડ્રાઇવરની ક્રૂરતાપૂર્વક હત્યા, કોતરમાંથી મળ્યો મૃતદેહ…

ગાંધીનગર: ગુજરાતનું પાટનગર જાણે ક્રાઇમ કેપિટલ બની રહ્યું છે, જ્યાં રોજેરોજ અનેક ચોંકાવનારા બનાવો પોલીસ ચોપડે નોંધાઈ છે. થોડા દિવસ પહેલા જ અંબાપુર ગામ નજીક નર્મદા કેનાલની પાળે બેઠેલા યુવાનની કરપીણ હત્યાનો મુદ્દો બહુ ગાજ્યો હતો ત્યારે આજે વધુ એક હત્યાનો બનાવ જાણવા મળ્યો છે. ગાંધીનગર નજીક ઇન્દ્રોડા ગામમાં આજે સવારે એક ગંભીર હત્યા કરી દેવામાં આવી છે. ગામમાં એક રિક્ષા ડ્રાઇવરની લોહીલુહાણ હાલતમાં મૃતદેહ આવતા સમગ્ર પાટનગરમાં ચકચાર મચી ગઈ છે.
રાતના ઘરેથી રિક્ષા લઈ નીકળ્યા પણ સવારે પાછા ફર્યા નહીં
મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે ફરિયાદી શૈલેષજી જુહાજી ઠાકોર (ઉંમર ૩૫, રહે. ઇન્દ્રોડા, વાણિયાવાસ) દ્વારા પોલીસ સમક્ષ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના પિતરાઈ ભાઈ અરજણજી મોહનજી ઠાકોર (ઉંમર ૪૨), જેઓ પણ રિક્ષા ડ્રાઇવિંગ કરતા હતા, તેમની હત્યા કરવામાં આવી છે.
આજરોજ સવારે લગભગ નવેક વાગ્યે શૈલેષજીને અરજણજીની દીકરી જલ્પાબેનનો ફોન આવ્યો હતો. જલ્પાબેને જણાવ્યું કે તેના પિતા ગઈકાલે રાત્રે રિક્ષા લઈને ઘરેથી નીકળ્યા હતા, પરંતુ સવાર સુધી પાછા ફર્યા નહોતા. ત્યાર બાદ તેમને સમાચાર મળ્યા કે અરજણજીની રિક્ષા અને તેમની લોહીલુહાણ લાશ ઇન્દ્રોડા ગામમાં આવેલ કિલ્લો કોતરમાં પડેલી છે.
માથાના ભાગમાં હુમલો કરતા મોત, હત્યાનું કારણ અકબંધ
શૈલેષજીએ તાત્કાલિક કોતર પર પહોંચીને જોયું તો, અરજણજીની લાશ પાસે તેમની રિક્ષા પડેલી હતી. લાશની બાજુમાં લોહીવાળો એક લાકડાનો ધોકો પણ મળી આવ્યો હતો. અરજણજીના માથાના ભાગે ગંભીર ઈજાઓના નિશાન હતા. પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ અજાણ્યા વ્યક્તિએ લાકડાના ધોકા વડે અરજણજીના માથા પર જીવલેણ હુમલો કરી તેમની હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. જો કે હત્યાનું કારણ હજુ અકબંધ છે.
શૈલેષજી ઠાકોરે તેમના પિતરાઈ ભાઈ અરજણજી ઠાકોરની હત્યા કરનાર અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની તપાસ કરી આરોપીને પકડવા માટે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે, એમ પોલીસે જણાવ્યું હતું.
અહીં એ જણાવવાનું કે રાજ્યમાં સૌથી સુરક્ષિત અને મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર સિસ્ટમને કારણે રાજધાની ગાંધીનગરનું નામ દેશમાં મોખરે લેવાય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી હત્યાના વધતા બનાવોથી પોલીસ પ્રશાસન પણ હરકતમાં આવી ગયું છે.
આ પણ વાંચો…લિવ ઈન રિલેશનશિપનો વધુ એક ચોંકવનારો કિસ્સોઃ સગીર પ્રેમીએ તરછોડી, પ્રેમની પિતાએ પણ ઉઠાવ્યો ગેરલાભ