ગાંધીનગરની મેડિકલ કૉલેજમાં રેગિંગમાં સંડોવાયેલા 14 સિનિયર વિદ્યાર્થી સસ્પેન્ડ…

અમદાવાદઃ મેડિકલ કૉલેજોમાં જૂનિયર ડોક્ટર્સની સિનિયર ડોક્ટર્સ દ્વારા રેગિંગના કિસ્સાઓ વારંવાર બનતા રહે છે. આવા જ એક કિસ્સામાં ગાંધીનગર કૉલેજે 14 સિનિયર વિદ્યાર્થી સામે પગલા લઈ તેમને સસ્પેન્ડ કર્યા હતા. ગાંધીનગરની જીએમઈઆરએસ મેડિકલ રેગિંગનો ગંભીર કેસ પ્રકાશમાં આવ્યો હતો. અહીં મેડિકલ કોર્સનું પહેલું વર્ષ શરૂ થયા બાદ જૂનિયર વિદ્યાર્થીઓના ઈન્ટ્રો લેવામાં આવે છે.
આ ઈન્ટ્રોમા અને ત્યારબાદ બીજા અને ત્રીજા વર્ષના સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા માનસિક પજવણી અને હસી-મજાક થતા હોવાની ફરિયાદ અમુક જૂનિયર વિદ્યાર્થીઓએ કરી હતી. બોયઝ હૉસ્ટેલમાં પહેલું વર્ષ શરૂ થયા બાદ જૂનિયર વિદ્યાર્થીઓની થતી પજવણી અંગેની ફરિયાદ સંચાલકોને મળી હતી.
વિદ્યાર્થીઓની ફરિયાદ બાદ તપાસ હાથ ધરાતા બીજા અને ત્રીજા વર્ષના 14 વિદ્યાર્થીઓની સંડોવણી સાબિત થતાં તેમને 6 મહિનાથી 2 વર્ષ સુધી માટે હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જોકે સંચાલકોએ વિદ્યાર્થીઓના ભવિષ્ય અને ભણતરને ધ્યાનમાં રાખી 14 જણને માત્ર હૉસ્ટેલમાંથી સસ્પેન્ડ કર્યા હોવાનું જાણવા મળ્યું હતું.
આ 14 વિદ્યાર્થીઓના વાલીઓને બોલાવી તેમને પણ આ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી, તેમ પણ જાણવા મળ્યું હતું. જોકે કૉલેજે સત્તાવાર માહિતી ન આપતા ઘટના પર પદડો પાડી દીધાની ચર્ચાઓ પણ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં રેગિંગના કારણે વિદ્યાર્થીના મૃત્યુની ઘટનાએ ચર્ચા જગાવી હતી.



