'ડિજિટલ અરેસ્ટ'નું સૌથી મોટું રેકેટ: પાટનગરમાં મહિલા ડોક્ટર પાસેથી ₹ 19 કરોડની છેતરપિંડી...

‘ડિજિટલ અરેસ્ટ’નું સૌથી મોટું રેકેટ: પાટનગરમાં મહિલા ડોક્ટર પાસેથી ₹ 19 કરોડની છેતરપિંડી…

ગાંધીનગરઃ ગુજરાતમાં ડિજિટલ અરેસ્ટનો અત્યાર સુધીનો સૌથી મોટો કેસ સામે આવ્યો હતો. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મહિલા ડોક્ટર પાસેથી 19 કરોડ પડાવવાનો ચોંકાવનારો કિસ્સો બન્યો છે. CID સાયબર સેલે સુરતના આરોપી લાલજી બલદાણીયાની ધરપકડ કરવામાં આવી હતી. ત્રણ મહિના સુધી મહિલા ડોક્ટરને ડિજિટલ અરેસ્ટ કર્યા હતા. મહિલાને PMLA, FeMA હેઠળ ફસાવવાની ધમકી આપી હતી. જુદાજુદા રાજ્યોના બેંક એકાઉન્ટમાં પૈસા નંખાવવામાં આવ્યા હતા.

શું છે મામલો
મળતી વિગત પ્રમાણે ગાંધીનગરમાં રહેતાં ડોક્ટર સિનિયર સિટિઝન મહિલાને ઇન્ટરનેશનલ ગેંગ અને ભારતની ગેંગે ભેગા મળીને 3 મહિના સુધી ડિજિટલ અરેસ્ટ રાખી હતી. આ ડિજિટલ અરેસ્ટ દરમિયાન તેને અલગ અલગ રીતે ડરાવવામાં આવી હતી, જેમાં તેને FEMA અને PMLA એક્ટ હેઠળ ભારતમાં ગુનો નોંધાશે, એવી ધમકીભર્યા લેટર પણ મોકલવામાં આવ્યા હતા.

સોનું વેચાવી પૈસા પડાવ્યા
આંતરરાષ્ટ્રીય ગેંગે સિનિયર સિટિઝન મહિલા ડોક્ટરને એવી રીતે ડરાવવાની શરૂઆત કરી કે તમારા ફોનથી અપમાનજનક મેસેજ પબ્લિકલી વારંવાર પોસ્ટ થાય છે, તેથી તમારી સામે FIR દાખલ થશે. પછી તો ધીમે ધીમે અલગ અલગ રીતે સરકારી એજન્સીનાં નામના ખોટા લેટર મોકલી ઘરમાં પડેલું સોનું વેચાવી પૈસા પડાવ્યા હતા. બાદમાં લોકરમાં રહેલા સોના પર લોન લેવડાવી, એફડી તોડાવી અને વર્ષો પહેલા લીધેલા શેર પણ વેચાવી નાખ્યા. આ બધામાંથી જે રૂપિયા આવ્યા એ અલગ અલગ બેંક એકાઉન્ટમાં જમા કરાવી દીધા હતા.

પોલીસે શું કહ્યું
આ ઘટના સામે આવતાં સાયબર સેલ પણ ચોંકી ઊઠ્યું હતું. ગાંધીનગરના સીઆઇડી ક્રાઇમના સાઇબર સેલે 35 જેટલા અલગ અલગ શખસો સામે 16 જુલાઇના રોજ ડિજિટલ અરેસ્ટનો ગુનો નોધ્યો હતો. આ ઇન્ટરનેશનલ ગેંગે મહિલા પાસેથી 19.24 કરોડની માતબર રકમ પડાવી લીધી હતી. ગુજરાતના પોલીસ અધિકારીઓના મત પ્રમાણે આ ભારતનો પ્રથમ લાંબો ડિજિટલ અરેસ્ટ કેસ છે અને પહેલીવાર આટલી મોટી રકમનાં ટ્રાન્ઝેક્શન એક જ જગ્યાએથી થયાં હતા.

આ પણ વાંચો…સાયબર ફ્રોડનો આતંક: અમદાવાદમાં ONGC અધિકારીને ડિજિટલ અરેસ્ટ કરી ₹1.36 કરોડ પડાવ્યા, મોરબીના શિક્ષક દંપતી પણ બન્યા શિકાર

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button