ગાંધીનગરમાં 20 કરોડની કિંમતની જમીન દબાણમુક્ત કરવામાં આવી…

ગાંધીનગરઃ રાજ્યમાં ચાલી રહેલી દબાણ હટાવ ઝુંબેશ અંતર્ગત પાટનગર ગાંધીનગરમાં 20 કરોડની કિંમતની જમીન દબાણમુક્ત કરવામાં આવી હતી. ગાંધીનગરના રાયસણ-રાંદેસણ વિસ્તારમાં અંતિમ નગર રચના યોજના નંબર-19 હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કમ્યુનિટી હોલ પાસે આવેલી જમીન પર કાર્યવાહી કરવામાં આવી હતી.
જમીનોનો કબજો મેળવવાની કામગીરી ચાલુ
અંદાજે 2000 ચોરસ મીટરની કમર્શિયલ જમીન દબાણમુક્ત કરવામાં આવી હતી. આ જમીનની બજાર કિંમત આશરે 20 કરોડ રૂપિયા છે. તંત્રએ જમીન પરના પાકા દબાણો દૂર કર્યા હતા. મહાનગરપાલિકાએ જણાવ્યું કે ટી. પી. અમલીકરણના ભાગરૂપે રસ્તાઓ અને રિઝર્વેશન હેઠળની જમીનોનો કબજો મેળવવાની કામગીરી નિયમિત રીતે ચાલુ રહેશે.

સરકારી જમીન પર અતિક્રમણો હટાવાયા
તાજેતરમાં સુરતમાં 100 કરોડથી વધુની કિંમતની સરકારી જમીન પર થયેલા દબાણ દૂર કરવામાં આવ્યા હતા. જિલ્લા પંચાયતની માલિકીની કિંમતી સરકારી જમીન પર અંબિકા ઓટોમોબાઇલ્સ તથા રાણા ટ્રાવેલર્સ દ્વારા અનધિકૃત રીતે દબાણ કરી કબજો જમાવ્યો હતો. નોટિસ આપ્યા પછી પણ જગ્યા ખાલી ન કરતા આ દબાણો જિલ્લા પંચાયતે ડિમોલિશનથી તોડી પાડ્યા હતા.