ગાંધીનગર સિવિલના તબીબોએ વૃદ્ધાના ગળામાંથી ૪૦૦ ગ્રામની જટિલ ગાંઠ દૂર કરી આપ્યું નવજીવન

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ ગાંધીનગર સિવિલ હોસ્પિટલના કાન-નાક-ગળા વિભાગે એક જટિલ સર્જરી સફળતાપૂર્વક પાર પાડીને ૬૦ વર્ષીય વૃદ્ધાને નવજીવન આપ્યું હતું. ગળાના ભાગે વિશાળ ગાંઠ ધરાવતા આ દર્દીની સ્થિતિ અત્યંત ગંભીર હોવા છતાં, તબીબોની કુશળતાને કારણે ઓપરેશન સફળ રહ્યું હતું.
આશરે ૧૫ દિવસ પહેલા ૬૦ વર્ષીય મહિલા દર્દી ગળામાં મોટી ગાંઠની ફરિયાદ સાથે સિવિલની ઓપીડીમાં આવ્યા હતા. પ્રાથમિક તપાસ બાદ સીટી સ્કેન સહીતના રિપોર્ટ્સમાં આ ગાંઠ થાઈરોઈડ ગ્રંથિની હતી અને તેમાં કેન્સર હોવાની પણ શક્યતા હોવાનું જાણવા મળ્યું હતું. ગાંઠનું કદ આશરે ૧૨૮૯ સેમી હતું અને વજન અંદાજે ૪૦૦ ગ્રામ જેટલું હતું. ગાંઠ ગળાની ડાબી બાજુની મુખ્ય નસો સાથે જોડાયેલી હતી, જેના કારણે શ્વાસનળી જમણી બાજુ ખસી ગઈ હતી અને તેની દીવાલ પણ નબળી પડી ગઈ હતી.
આખા કેસની વિગત તપાસ્યા બાદ ડોક્ટરોની ટીમે ‘ટોટલ થાઈરોઈડેક્ટમી’ કરવાનું નક્કી કર્યું હતું. તબિબોના ટીમ દ્વારા આશરે ૪ થી ૪:૩૦ કલાક ચાલેલા જટિલ ઓપરેશન બાદ આ ગાંઠને સફળતાપૂર્વક દૂર કરવામાં આવી હતી. શ્વાસનળી અત્યંત નબળી હોવાથી અને આકાર બદલાઈ ગયો હોવાથી દર્દીને બેભાન કરવા માટે ટ્યુબ નાખવી એક મોટો પડકાર હતો. જોકે, એનેસ્થેસિયા વિભાગની ટીમે ‘ફ્લેક્સિબલ લેરીન્ગોસ્કોપ’ની મદદથી આ કાર્ય પાર પાડ્યું હતું. ઉલ્લેખનીય છે કે,આટલી મોટી અને જોખમી સર્જરી ખાનગી હોસ્પિટલમાં આશરે ૧.૫ થી ૨ લાખ રૂપિયાના ખર્ચે થતી હોય છે. પરંતુ, આયુષ્માન યોજના અંતર્ગત આ ઓપરેશન સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવ્યું હતું.



