ગાંધીનગરમાં 4 વર્ષની છોકરીનો બળાત્કારી ભાગવા જતો હતો ને PI લતા દેસાઈએ ગોળી મારીને પાડી દીધો

ગાંધીનગરઃ શહેરમાંથી 4 વર્ષીય બાળકીનું 15 ડિસેમ્બરના રોજ એક શખ્સ દ્વારા અપહરણ કરીને બળાત્કાર કરવામાં આવ્યો હતો. પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી ધરપકડ કર્યા પછી પોલીસ પંચનામું અને રિ-કન્સ્ટ્રક્શન અર્થે ઘટના સ્થળે પહોંચી હતી. આ દરમિયાન તકનો લાભ લઈને આરોપી ભાગવા લાગ્યો હતો. જેને રોકવા માટે PI લતા દેસાઈએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરીને પાડી દીધો હતો.
PI લતા દેસાઈએ ગોળી મારી
15 ડિસેમ્બરના રોજ એફઆઈઆર નોંધાયા બાદ પોલીસે આરોપીને પકડવા ઓપરેશન વિરાંગના શરૂ કર્યું હતું. બે દિવસ પહેલા સાંજે ગુનાના સ્થળે પંચનામાની કાર્યવાહી દરમિયાન આરોપીએ પોલીસ જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે PI લતા દેસાઈએ તેનો પીછો કર્યો હતો અને ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં આરોપીના પગમાં ઈજા થઈ હતી. જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પોલીસની આ કાર્યવાહીથી સ્તબ્ધ થઈ ગયેલા આરોપીએ હાથ જોડીને દયાની ભીખ માંગી હતી.
તપાસ દરમિયાન શું આવ્યું સામે
પોલીસ તપાસ દરમિયાન આરોપીની મોબાઈલમાંથી પોર્ન ક્લિપ્સ પણ મળી હતી. જેમાં પ્રાણીઓ સાથેના કેટલાક વીડિયો પણ હતા. ગાંધીનગર એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ કહ્યું, આરોપી રામ ગુનીત દેવ નંદન યાદવ સેકટર 24 ઈન્દિરા નગર વિસ્તારમાં ખરીદી માટે આવતો હતો. આ દરમિયાન તેની નજર 4 વર્ષની બાળકી પર પડી હતી. બળાત્કારના એક અઠવાડિયા પહેલા તેણે બાળકીની રેકી કરી હતી. બિહાર જતા પહેલા તેણે આ કૃત્યનું આયોજન કર્યું હતું. ઘટનાની રાત્રે તેણે સૂતી બાળકીને ઉપાડી અને 300 મીટર દૂર નજીકની ઝાડીઓમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. બાળકી બેભાન થઈ જતાં તેણે માની લીધું કે તે મૃત્યુ પામી છે અને ત્યાંથી ભાગી ગયો હતો.
આરોપીએ હાથ જોડી પોલીસ પાસે માફી માંગી
પોલીસે ઓપરેશન વિરાંગના હેઠળ અલગ-અલગ દિશાઓમાં અનેક ટીમો કાર્યરત કરી હતી. ટેકનિકલ એનાલિસિસની મદદથી આરોપીની ઓળખ કરી તેને ઝડપી લેવામાં આવ્યો હતો. 20 ડિસેમ્બરના રોજ સેક્ટર-24 ઈન્દિરા નગરના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પુરાવા એકત્ર કરવા દરમિયાન તેણે ભાગવાનો પ્રયાસ કર્યો ત્યારે સેક્ટર-21ના PI લતા દેસાઈએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાંથી એક ગોળી તેના પગમાં વાગી હતી. તેના કપડાં પરથી મહત્વના પુરાવા મળી આવ્યા હતા. હોસ્પિટલના બિછાને તેણે હાથ જોડી પોલીસ પાસે માફી માંગી હતી.
લોકોએ લગાવ્યા ગુજરાત પોલીસ ઝિંદાબાદના નારા
છેલ્લા ચાર મહિનામાં ગુજરાતમાં આરોપીઓ પર પોલીસ ફાયરિંગની આ સાતમી ઘટના છે, જેમાંથી ત્રણ બળાત્કારના કેસ સાથે જોડાયેલી છે. ગાંધીનગરના અંબાપુર કેનાલ પાસે એક આરોપીનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય છ ઘાયલ થયા હતા. ફાયરિંગ બાદ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. બળાત્કારી વિરુદ્ધ પોલીસની આ કાર્યવાહીથી ખુશ થઈને સ્થાનિક લોકોએ “ગુજરાત પોલીસ ઝિંદાબાદ” અને “ગાંધીનગર પોલીસ ઝિંદાબાદ” ના નારા લગાવ્યા હતા.



