ખનીજ માફિયાઓ બેફામ: રેતી ચોરી પકડવા ગયેલા ખનીજ વિભાગના મહિલા અધિકારી પર હુમલો, ફિલ્મી સ્ટાઇલે ડમ્પર છોડાવ્યું…

ગાંધીનગર: રાજ્યમાં ગેરકાયદે ખનીજ ચોરી અને વહન કરનારા માફિયાઓ કેટલા બેફામ બન્યા છે, તેનો વધુ એક કિસ્સો ગાંધીનગર-છત્રાલ હાઇવે પર સામે આવ્યો હતો. મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરીમાં ફરજ બજાવતા મહિલા રોયલ્ટી ઇન્સ્પેક્ટર દેવયાનીબા જાડેજા અને તેમના સ્ટાફ પર ડમ્પર છોડાવવા આવેલા ત્રણથી વધુ ઇસમોએ હુમલો કરીને સરકારી કામમાં અવરોધ ઊભો કર્યો હતો. આ ઘટનામાં રોયલ્ટી ઇન્સ્પેક્ટરે ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી.
એફઆઇઆરની વિગતો અનુસાર, રોયલ્ટી ઇન્સ્પેક્ટર દેવયાનીબા જાડેજા, ડ્રાઇવર વિપુલભાઈ રાવળ અને સિક્યુરિટી ગાર્ડ સાથે ગાંધીનગર-છત્રાલ હાઇવે પર રૂટીન ચેકિંગમાં હતા. તે દરમિયાન એશિયન ટ્યુબ્સ પ્રાઇવેટ લિમિટેડના ગેટ પાસે ડમ્પરમાં ૪૩.૪૪ મેટ્રિક ટન સાદી રેતી ખનીજ રોયલ્ટી પાસ વગર ભરેલું જોવા મળ્યું હતું. રોયલ્ટીના આધાર-પુરાવા માંગતા ડ્રાઇવરે રોયલ્ટી લીધી ન હોવાનું જણાવતા ડમ્પરને જપ્ત કરી આગળની કાર્યવાહી માટે કલેક્ટર કચેરી લઈ જવામાં આવી રહ્યું હતું.
આ કાર્યવાહી દરમિયાન, કલોલ ઓવરબ્રિજ પાસે બે બાઇક પર સવાર ત્રણ ઇસમોએ આવીને ડમ્પરના ડ્રાઇવરને ઇશારો કરીને ગાડી રોડની સાઈડમાં ઊભી રખાવી હતી. આ ઇસમોએ ડ્રાઇવરના ‘શેઠ’ સાથે વાત કરવા જણાવ્યું હતું. બાદમાં લાલ ટી-શર્ટ પહેરેલ એક વ્યક્તિ સરકારી ગાડી પાસે આવ્યો અને ડમ્પરને ભગાડવા માટે ડ્રાઇવરને ઈશારો કર્યો હતો.
જેના પગલે ડ્રાઇવર ડમ્પર લઈને ભાગી ગયો. સરકારી સ્ટાફ દ્વારા પીછો કરવામાં આવતા, રસ્તામાં બ્લેક ફોર્ચ્યુનર અને સફેદ ક્રેટા જેવી ગાડીઓ ધીમી ગતિએ ચાલીને સરકારી ગાડીને અવરોધતી હતી, જેનો ઈરાદો ડમ્પરને ભાગી છૂટવામાં મદદ કરવાનો હતો.
આખરે, કલોલના સઈજ ગામમાં ડમ્પર રેતી ખાલી કરતું જોવા મળ્યું હતું. ત્યાં સફેદ ગાડી દ્વારા રસ્તો રોકીને અવરોધ પેદા કરાયો હતો. ત્યાર બાદ, અન્ય એક ગાડીમાંથી આવેલા એક ઈસમે મહિલા અધિકારી અને સ્ટાફ સાથે ગેરવર્તણૂક કરી હતી, કાચ પર થપાટો મારી, બિભત્સ અપશબ્દો બોલી ધમકી આપીને ડમ્પરને ભગાડી મૂક્યું હતું.
રોયલ્ટી પાસ વગર ૪૩.૪૪ મે.ટન રેતીનું વહન કરવા બદલ ડમ્પર ચાલક પાસેથી રૂ. ૩,૨૩,૨૧૨ નો દંડ વસૂલવાપાત્ર થાય છે. મહિલા અધિકારી સાથે ગેરકાયદેસર કૃત્ય કરવા અને સરકારી કામમાં અવરોધ ઊભો કરવા બદલ આ ઇસમો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસે ફરિયાદ નોંધી હતી.



