ગાંધીનગર

ગાંધીનગરમાં ટાઈફોઈડના દરરોજ સરેરાશ 25 નવા કેસ, કોંગ્રેસના સરકાર પર પ્રહાર

ગાંધીનગર: ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ટાઈફોઈડનો રોગચાળો વકરી રહ્યો છે. જેના પગલે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા પ્રતિનિધિમંડળ સાથે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની મુલાકાત લઈ તેમની પૂછપરછ કરી હતી અને તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.

48 શંકાસ્પદ કેસ સારવાર હેઠળ

અમિત ચાવડાએ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. મીતા પરીખ સાથે મુલાકાત કરી વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી. ડૉ. પરીખે માહિતી આપતા જણાવ્યું હતું કે હાલમાં 48 શંકાસ્પદ કેસ સારવાર હેઠળ છે. હોસ્પિટલમાં દરરોજ સરેરાશ 25 નવા કેસ નોંધાઈ રહ્યા છે. દરેક દર્દીના બે વાર ટાઈફોઈડ રિપોર્ટ કરવામાં આવે છે અને રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ તેમને રજા આપવામાં આવે છે.

1લી તારીખથી કેસોમાં સતત વધારો

દર્દીઓની મુલાકાત બાદ મીડિયા સાથે વાતચીત કરતા અમિત ચાવડાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ટ્રિપલ એન્જિન સરકાર હોવાના દાવાઓ અને કરોડોના ખર્ચ છતાં પ્રજાને શુદ્ધ પીવાનું પાણી મળી રહ્યું નથી. 1લી તારીખથી સતત કેસો વધી રહ્યા છે, નાના બાળકો હોસ્પિટલમાં છે અને મ્યુનિસિપલ કોર્પોરેશન હજુ પણ તાયફામાં વ્યસ્ત છે.

સરકારની ગંભીર બેદરકારીને કારણે લોકોના જીવ જોખમમાં

અમિત ચાવડાએ આક્ષેપો કરતાં કહ્યું હતું કે સેક્ટર-21 જેવા વિકસિત વિસ્તારોમાં પણ ટાઈફોઈડ પહોંચી ગયો છે. કોર્પોરેશન દ્વારા રોડ તોડવાના કામમાં બેદરકારી દાખવતા ગંદુ પાણી પીવાના પાણીમાં ભળી રહ્યું છે. સરકારની ગંભીર બેદરકારીને કારણે લોકોના જીવ જોખમમાં છે. આ મામલે જવાબદાર કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સામે ફોજદારી ગુના નોંધવામાં આવે તેવી માંગ કોંગ્રેસ પ્રમુખે કરી હતી. ગાંધીનગરમાં જે રીતે ટાઈફોઈડ વકરી રહ્યો છે તે જોતા આગામી દિવસોમાં આરોગ્ય વિભાગ અને કોર્પોરેશનની કામગીરી પર વધુ દબાણ વધે તેવી શક્યતા છે.

આ પણ વાંચો…ગાંધીનગરમાં ટાઈફોઈડના ‘વિસ્ફોટ’ મુદ્દે શક્તિસિંહ ગોહિલ આક્રમક: સરકાર સાચા આંકડા છુપાવતી હોવાનો આક્ષેપ

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button