ગાંધીનગરમાં બાર વર્ષની કિશોરીએ આત્મહત્યા કરી, કચ્છ બાદ બીજો કિસ્સો…

અમદાવાદઃ કચ્છમાં એક 15 વર્ષીય કિશોરીએ આપઘાત કર્યાની ઘટના મંગળવારે પ્રકાશમા આવી હતી ત્યારે બુધવારે ફરી એક માત્ર 12 વર્ષની કિશોરીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધાની ઘટનાએ આત્મહત્યા અને ખાસ કરીને આટલી કુમળી વયના કિશોરોની આત્મહત્યાનો મુદ્દો ગંભીર બનાવ્યો છે.
ગાંધીનગર સેક્ટર-7માં રહેતી એક 12 વર્ષની સગીરાના માતા-પિતા નોકરીએ ગયા હતા અને ભાઈ ટ્યૂશન માટે ગયો હતો ત્યારે પંખા સાથે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લીધી હતી. સાંજે સાડાચાર વાગ્યાની આસપાસ માતા જ્યારે પોતાના કામના સ્થળેથી ઘરે પાછા ફર્યા ત્યારે ઘરનો દરવાજો વારંવાર ખખડાવવા છતાં કોઈ જવાબ ન મળતા તેમણે પતિને ફોન કર્યો હતો.
પતિ ઘરે આવ્યા અને તેમણે ભારે જહેમત બાદ દરવાજો ખોલ્યો ત્યારે દીકરીને આ હાલતમાં જોતા તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. તેને હૉસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. આત્મહત્યાનું કારણ હજુ અકબંધ છે. પોલીસને ઘરમાંથી એક સ્યૂસાઈડ નોટ મળી હતી જેમાં લખ્યું હતું મમ્મી હું જાઉં છું. હું બોર થઈ ગઈ છું.
મમ્મી, પપ્પા, દાદી અને ભાઈ બાય. મમ્મી-પપ્પા તમે ખુશ રહેજો. આ સાથે પોલીસ તપાસમાં એ પણ જાણવા મળ્યું હતું કે સગીરાનો પરિવાર રાજસ્થાન ફરવા ગયો હતો અને એક દિવસ પહેલા જ પરત ફર્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો…જાલનામાં વાયરલ વીડિયોને કારણે ઓનલાઇન હેરાનગતિથી કંટાળીને યુવકે કરી આત્મહત્યા



