વિધાનસભા ગૃહમાં ગંભીરા બ્રિજનો મુદ્દો ગાજ્યો, સરકારે કરી ચોંકાવનારી કબૂલાત

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની આજથી શરૂઆત થઈ છે, જેમાં ગંભીરા બ્રિજનો મુદ્દો પણ ચર્ચાયો હતો. કોંગ્રેસના ધારાસભ્યએ ઉઠાવેલા મુદ્દે સરકારે ગૃહમાં જવાબ આપ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. જેના જવાબમાં સરકારે કહ્યું હતું કે આ ઘટનામાં ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. દુર્ઘટના બાદ રાજ્યભરમાં વિવિધ બ્રિજોની ચકાસણી કરવામાં આવી હતી. રાજ્યમાં 1054 મેજર અને 5475 માઇનર બ્રિજની ચકાસણી કરવામાં આવી હતી, જ્યારે જોખમી બ્રિજ અંગે પણ સરકાર દ્વારા તાકીદના પગલા ભરવાની હૈયાધારણ આપી હતી.
ભારે વાહનો માટે કેટલા બ્રિજ કરવામાં આવ્યા બંધ?
આ ઉપરાંત સરકારે એમ પણ જણાવ્યું કે, ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ રાજ્યમાં 148 બ્રિજ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 18 બ્રિજ તમામ વાહનો માટે બંધ કર્યા છે. ગંભીરા બ્રિજની દુર્ઘટનાના બે મહિના પહેલા ચકાસણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે જુલાઈ મહિનામાં બનેલી ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 22 લોકોના મૃત્યુ થયા હતા.
નર્મદા કેનાલ પરના કેટલા પુલ છે જર્જરિત
આ ઉપરાંત, નર્મદા કેનાલ પર 2122માંથી 53 પુલ જર્જરિત હોવાનું પણ સરકારે જણાવ્યું હતું. આ પુલ બંધ કરવા અને નવા પુલ બનાવવાની કામગીરી કરાઈ હોવાનું પણ સરકારે ગૃહમાં જણાવ્યું હતું. અહીં એ જણાવવાનું કે ગંભીરા બ્રિજ દાયકાઓ જૂનો હતો અને નવમી જુલાઈના વહેલી સવારે લગભગ 7:30 વાગ્યે અચાનક તૂટી પડ્યો હતો. બ્રિજ પરથી પસાર થતા વાહનો – 3 ટ્રક, રિક્ષા, ઈકો કાર, પિકઅપ વાન અને બે-ત્રણ બાઇક નદીમાં ખાબક્યા હતા. ટ્રકની નીચે એક કાર પણ દબાઈ ગઈ હતી.
આ પણ વાંચો…જમ્મુ-પઠાણકોટ તંત્રની સતર્કતાને લીધે ગંભીરા બ્રિજ જેવી ઘટના ટળીઃ જૂઓ વીડિયો