રાજ્યનું ગ્રીન કવર વધારવાનો વન વિભાગનો નવતર અભિગમ, હવે આવી જગ્યાએ પણ પીપીપી ધોરણે રોપાઓનું કરાશે વાવેતર
વન વિભાગ અને માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ - સદભાવના વૃદ્ધાશ્રમ વચ્ચે એમ.ઓ.યુ. થયા

ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ગ્રીન કવર વધારીને પર્યાવરણ જાળવણી માટે કરેલા આહવાનને પગલે વન વિભાગે કચ્છ સૌરાષ્ટ્ર સહિત બધા જિલ્લાઓમાં રોડ સાઈડ અને કોસ્ટલ હાઈવે પર રોડની બેય બાજુની તેમજ અન્ય ખાલી જગ્યાઓએ સઘન રોપા વાવેતરનો નવતર અભિગમ અપનાવ્યો હતો. આ હેતુસર વન વિભાગ લોક ભાગીદારીથી પી.પી.પી. ધોરણે અંદાજે 7.63 લાખ રોપા વાવશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્યના વન વિભાગ અને માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ – સદભાવના વૃદ્ધાશ્રમ વચ્ચે રાજ્યના જિલ્લાઓમાં રોડ સાઈડ અને કોસ્ટલ હાઇવે પર રોડની બે તરફ ખાલી પડતર જગ્યા તથા અન્ય ખાલી જગ્યાએ હરિત વન પથ યોજના અંતર્ગત 7.63 લાખ રોપાઓના પબ્લિક… pic.twitter.com/GcJQjJaYa9
— CMO Gujarat (@CMOGuj) July 30, 2025
MoU કરવામાં આવ્યા
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને વન પર્યાવરણ પ્રધાન મુળુભાઈ બેરા તથા રાજ્ય પ્રધાન મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વન વિભાગે આ રોપા વાવેતર અંગે માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા સાથે ગાંધીનગરમાં બુધવારે એમ.ઓ.યુ. કર્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જના પડકારોના તારણરૂપ ઉપાય તરીકે ગ્રીન કવર વધારવા અને વધુને વધુ વૃક્ષો વાવવા દેશવાસીઓને પ્રેરણા આપેલી છે.
રાજ્યમાં ટ્રી કવર વધારવા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં હરિત વનપથ યોજના કાર્યરત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત રોડની બેય તરફ વૃક્ષોના વાવેતરથી મોટા પાયે હરિયાળી થવાના પરિણામે ઇકોલોજી અને એન્વાયરમેન્ટ પ્રોટેકશન સાથે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ પણ સિદ્ધ કરી શકાશે.
વડ, પીપળો જેવા વૃક્ષો વાવવામાં આવશે
વન વિભાગે આવા રોડ સાઈડ પ્લાન્ટેશનમાં 10X10 મીટરના અંતરે 45 X 45 X 45 સેન્ટીમિટરના ખાડા ખોદીને 8 ફિટ ઉંચાઈના રોપા તથા વડ, પીપળો જેવા વૃક્ષો પી.પી.પી. ધોરણે વાવવાનો વ્યુહ અપનાવ્યો છે.
હરિતવન પથ યોજના અંતર્ગત આવા વૃક્ષોનું વાવેતર કરવા માટે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024માં માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ- સદભાવના વૃદ્ધાશ્રમ અને વન વિભાગ વચ્ચે દ્વારકાથી સોમનાથ તથા અન્ય રોડ સાઇડના એમ 40 હજાર રોપાઓના વાવેતર માટે એમ.ઓ.યુ. થયા હતા.
આપણ વાંચો :અમદાવાદને ‘ગ્રીન સિટી’ બનાવવાની નેમ: 40 લાખ વૃક્ષ વાવવાનો લક્ષ્યાંક
માનવસેવા સેવા ટ્રસ્ટ – સદભાવના વૃદ્ધાશ્રમે આ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે અને હવે વન વિભાગ સાથે કરેલા આ એમ.ઓ.યુ. અનુસાર તેઓ રાજ્યના જિલ્લાઓમાં રોડ સાઈડ અને કોસ્ટલ હાઇવે પર ખાલી રહેલા રોડની બે તરફ અને અન્ય ખાલી જગ્યાએ 7.63 લાખ રોપાઓ ટ્રી ગાર્ડ સાથે વાવશે.