વિધાનસભામાં માછીમારોનો મુદ્દો: ગીર સોમનાથના 235 પરિવારોને સરકારે ચૂકવી આટલી સહાય….

ગાંધીનગર-વેરાવળ: ગુજરાતની દરિયાઈ સરહદ પાડોશી દેશ પાકિસ્તાન સાથે જોડાયેલી છે. આથી માછીમારી કરવા જતાં સમયે અફાટ દરિયામાં પાકિસ્તાની સીમામાં પ્રવેશી જતાં અનેક માછીમારોને પાકિસ્તાની સત્તાવાળાઓએ પકડીને કેદમાં રાખેલા છે. આ યાદીમાં ગુજરાતના અને ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાના અનેક માછીમારો પાકિસ્તાનમાં કેદ છે. આથી નિરાધાર થયેલા માછીમારોના પરિવારને ચૂકવવામાં આવતી સહાય અંગે વિધાનસભામાં પ્રશ્ન કરવામાં આવ્યો હતો.
વિધાનસભામાં કોડીનારના ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમ્ન વાજાએ વિધાનસભામાં પાકિસ્તાની સત્તાવાળાઓ દ્વારા પકડાયેલા રાજ્યના માછીમારોના પરિવારના જીવન નિર્વાહ માટે રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવતી આર્થિક સહાય અંગે પ્રશ્ન કર્યો હતો. જેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે પાકિસ્તાની સત્તાવાળાઓ દ્વારા પકડાયેલા રાજ્યના માછીમારોના પરિવારના જીવન નિર્વાહ માટે રાજ્ય સરકાર દ્વારા દૈનિક રૂ.300 આર્થિક સહાય ચૂકવવામાં આવે છે.
ધારાસભ્યએ વિધાનસભા સમક્ષ પ્રશ્ન કર્યો હતો કે માર્ચ 2025 સુધીમાં છેલ્લા 2 વર્ષમાં ગીર સોમનાથ જિલ્લામાં કેટલા માછીમાર કુટુંબને સહાય ચૂકવવામાં આવી છે. જેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે વર્ષ 2023-24માં 158 માછીમાર કુટુંબને રૂ. 1,93,35,900 તેમજ વર્ષ 2024-25 માં 77 માછીમાર કુટુંબને રૂ. 83,84,100ની સહાય ચૂકવવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે જ સંસદમાં રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા પાકિસ્તાનની જેલોમાં કેદ ભારતીય માછીમારો અંગે પ્રશ્ન કરવામાં આવ્યો હતો, જેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે હાલ 194 ભારતીય માછીમારો કેદ છે, જેમાંથી સૌથી વધુ 123 માછીમારો ગુજરાત રાજ્યના છે. તેમણે જણાવેલી વિગતો અનુસાર કેદ કરાયેલા 123 ગુજરાતી માછીમારોમાંથી 33 માછીમારો 2021ની સાલથી પાકિસ્તાની જેલમાં બંધ છે. જ્યારે 68 માછીમારો 2022થી, 9 માછીમારો 2023માં અને 13 માછીમારોને 2024માં પાકિસ્તાની સત્તાવાળાઓ દ્વારા પકડવામાં આવ્યા હતા.
આપણ વાંચો: નેપાળના રાજકીય અરાજકતા વચ્ચે ફસાયા ભાવનગરના 43 યાત્રાળુઓ, સરકારને મદદ માટે અપીલ