Top Newsગાંધીનગર

રાજ્યમાં માવઠાનો માર સહન કરતાં ખેડૂતોને મળી શકે છે દેવ દિવાળીની ભેટ, સરકારે જાહેર કરી છે ઐતિહાસિક રાહત પેકેજ

ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા માવઠાથી થયેલા નુકસાનને લઈ આજે રાહત પેકેજ જાહેર કરવામાં આવી શકે છે, સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન માટેનું કૃષિ રાહત પેકેજ આજ સાંજ સુધીમાં જાહેર થઈ શકે છે. ઈતિહાસમાં ક્યારેય ન અપાયું હોય એટલું મોટું પેકેજ આપવામાં આવી શકે છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગઈકાલે મેરેથોન બેઠકોનો દોર ચાલ્યો હતો, જેમાં રાહત પેકેજને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.

આ રાહત પેકેજની સત્તાવાર જાહેરાત આજે સાંજે પ્રેસ કોન્ફરન્સ કરીને સરકાર દ્વારા કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. આ જાહેરાત બાદ પાક નુકસાનથી પીડિત લાખો ખેડૂતોને મોટી રાહત મળશે અને તેમના ખાતામાં ઝડપથી વળતરની રકમ જમા થાય તે માટેની કાર્યવાહી પણ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર એસડીઆરએફના નિયમો અનુસાર 33 ટકા કરતા વધુ પાકને નુક્સાન થયું હોય તેવા કિસ્સામાં પણ માત્ર બે હેક્ટરની મર્યાદામાં જ પાકના પ્રકાર દીઠ સહાય ચૂકવી શકાય છે. આ જોતાં આ રાહત પેકેજનું કદ એસડીઆરએફના ધોરણ અનુસાર જ 1700 કરોડથી 2000 કરોડની આસપાસનું રહે, જો કે સરકાર તેમાં પોતાનો ફાળો ઉમેરીને તેને લગભગ 6 હજાર કરોડ આસપાસ લઈ જાય તેવી સંભાવના છે. વધારાની રકમ સરકારના બજેટમાંથી ફાળવાશે.

પ્રારંભિક અંદાજ મુજબ, રાજ્યના 249 તાલુકાઓમાં 16,000 થી વધુ ગામડાઓમાં તાજેતરના કમોસમી વરસાદથી પાકને નુકસાન થયું છે. વર્તમાન સ્થિતિ મુજબ, 70 ટકા અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેક્ષણનું કામ પૂર્ણ થઈ ગયું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે બાકીના વિસ્તારોમાં પણ કામ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, દિવાળી પર રાજ્ય સરકારે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ભારે વરસાદના કારણે પાકને થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને ખેડૂતો માટે ₹947 કરોડનું વિશેષ રાહત પેકેજ જાહેર કર્યું હતું. આ પેકેજમાં કેન્દ્ર સરકારના સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ માંથી ₹573 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. જ્યારે બાકીની રકમ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી હતી.

આપણ વાંચો:  ઈડીએ અમદાવાદમાં 300 બેંક ખાતામાં પડેલા રૂ. 35.80 કરોડ જપ્ત કર્યા

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button