ખેડૂત સહાય પેકેજઃ જાણો રાજ્યમાં કેટલા લોકોએ અરજી કરી?

ગાંધીનગર: સરકારે બુધવારે જણાવ્યું હતું કે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં થયેલા કમોસમી વરસાદને કારણે પાકને થયેલા નુકસાન માટે રાજ્યના 11.2 લાખથી વધુ ખેડૂતોએ વળતર મેળવવા અરજી કરી છે. નાયબ મુખ્ય પ્રધાન અને સરકારના પ્રવક્તા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ઓક્ટોબરના છેલ્લા સપ્તાહમાં કમોસમી વરસાદ માટે જાહેર કરાયેલા રૂ. 10,000 કરોડના વળતર પેકેજ હેઠળ 10 લાખથી વધુ ખેડૂતોએ સહાય માટે અરજી કરી છે. તેમણે કહ્યું કે સપ્ટેમ્બરમાં કમોસમી વરસાદ માટે જાહેર કરાયેલા રૂ. 1,138 કરોડના વળતર પેકેજ હેઠળ 1.2 લાખથી વધુ ખેડૂતોએ અરજી કરી છે.
બંને રાહત પેકેજોમાં, રાજ્ય સરકારે પિયત અને બિન-પિયત પાકો માટે બે હેક્ટરની મર્યાદા સુધી પ્રતિ હેક્ટર રૂ. 22,000 ની એકસમાન સહાય આપવાનો નિર્ણય કર્યો છે. વધારામાં, વાવ-થરાદ અને પાટણ જિલ્લામાં જમીન સુધારણા માટે પ્રતિ હેક્ટર રૂ. 20,000 આપવા માટે એક ખાસ જોગવાઈ પણ કરવામાં આવી હતી.
આ ઉપરાંત કૃષિ સહાય પેકેજ અંગે ગુજરાત સરકાર દ્વારા મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરવામાં આવી હતી. સહાય માટેના ફોર્મ ભરાવવા ખેડૂતો પાસેથી પૈસા વસૂલાત હોવાની મળેલી ફરિયાદોના પગલે સરકારે તુરંત પગલું લઈ વિકાસ કમિશનરની કચેરી મારફતે પરિપત્ર જાહેર કર્યો હતો. ગુજરાત સરકારને ફરિયાદ મળી હતી કે, કૃષિ સહાયના ફોર્મ ભરવા માટે કેટલાક લોકો ખેડૂતો પાસેથી રૂપિયા ઉઘરાવી રહ્યાં છે.
જે બાદ ગુજરાત સરકારે સ્પષ્ટતા કરી છે કે, કોઈ પણ ખેડૂતે સહાય માટેના ફોર્મ ભરાવવા કોઈપણને એક પણ રૂપિયો આપવાનો નથી. ફોર્મ ભરવાની અને સહાયની બધી પ્રોસેસ નિઃશુલ્ક છે. જે લોકો ખેડૂતો પાસેથી રૂપિયા ઉઘરાવી રહ્યાં છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
વિકાસ કમિશનરની કચેરીએ સ્પષ્ટ કર્યું છે કે, કૃષિ સહાય પેકેજના ફોર્મ ભરાવવા માટે અરજદારને કોઈપણ ઓપરેટર કે વ્યક્તિને એક પણ રૂપિયા આપવાની જરૂર નથી. આખી પ્રક્રિયા સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે અને કોઈપણ પ્રકારની વસૂલાત કડક મનાઈ છે.
ગુજરાતના કેટલાક વિસ્તારોમાંથી એવી માહિતી મળી હતી કે, ફોર્મ ભરાવવા માટે ખેડૂતો પાસેથી પૈસા લેવામાં આવી રહ્યા છે. આ મુદ્દો સરકારના ધ્યાનમાં આવતા જ તરત સ્પષ્ટતા જાહેર કરવામાં આવી હતી. સરકારે જણાવ્યું છે કે જો કોઈ વ્યક્તિ પૈસા માંગે તો તરત જ સંબંધિત અધિકારીને જાણ કરવી જેથી તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
કોઈપણ પ્રકારની ચૂકવણી કર્યા વગર અને સરકારી માર્ગદર્શિકા મુજબ નિઃશુલ્ક સેવા મેળવવા માટે જ ફોર્મ ભરાવે તેવી સરકારે તમામ ખેડૂતોને અપીલ કરી હતી.
આ પણ વાંચો…કૃષિ સહાય પેકેજના ફોર્મ સંપૂર્ણપણે નિઃશુલ્ક છે, પૈસા ન આપવા સરકારે ખેડૂતોને કરી અપીલ…



