રાજ્યમાં 20 ઓગસ્ટથી મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ

ગાંધીનગરઃ ગુજરાતભરમાં 20મી ઓગસ્ટથી મતદાર યાદીનો સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાશે. 01લી જાન્યુઆરી, 2025ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા માટે સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
20મી ઓગસ્ટથી ડોર ટુ ડોર સર્વે
આ ઝુંબેશ અંતર્ગત તા. 20મી ઓગસ્ટથી રાજ્યભરમાં બુથ લેવલ ઑફિસર્સ દ્વારા ડોર ટુ ડોર સર્વે હાથ ધરવામાં આવશે. જેમાં તા. 1 જાન્યુઆરી, 2025ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર યુવાઓની યાદી બનાવવાની કામગીરી તથા મતદાર તરીકે ન નોંધાયેલા પાત્રતા ધરાવતા નાગરિકોનો સમાવેશ કરવામાં આવશે. ઉપરાંત સ્થળાંતર કરનાર, મૃત્યુ પામનાર અને એકથી વધુ વખત નોંધાયેલા મતદારોના નામ કમી કરી મતદાર યાદીને ત્રુટિરહિત કરવા સહિતની કામગીરી કરવામાં આવશે.
ડોર ટુ ડોર સર્વે હાથ ધરાશે
ડોર ટુ ડોર સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ તા. 19મી ઓક્ટોબર થી તા.28મી ઓક્ટોબર સુધીમાં ફોર્મ નં. 1 થી 8 તથા સંકલિત મતદાર યાદી તૈયાર કરી તા. 29મી ઓક્ટોબરના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. ત્યારબાદ તા. 29મી ઓક્ટોબરથી તા. 28મી નવેમ્બર સુધી મતદાર યાદીમાં નામ ઉમેરવા, કમી કરવા તથા સુધારા માટે મળેલી અરજીઓ સંદર્ભે હક્ક-દાવા માટે અરજી કરી શકાશે. તા. 24મી ડિસેમ્બર સુધીમાં આ અરજીઓનો નિકાલ કરી તા. 6ઠ્ઠી જાન્યુઆરીના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધી કરવામાં આવશે.
મહિલાઓ, દિવ્યાંગો અને યુવાનો સહિત મહત્તમ મતદારો સહભાગી થાય અને પોતાના મતાધિકારના ઉપયોગ માટે મતદાર યાદીમાં નામ નોંધાવે તે માટે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા સંનિષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.