ઈડીએ અમદાવાદમાં 300 બેંક ખાતામાં પડેલા રૂ. 35.80 કરોડ જપ્ત કર્યા

અમદાવાદઃ ઈડીની અમદાવાદ ઝોનલ ઓફિસે સોમવારે રૂપિયા 35.80 કરોડની રકમ જપ્ત કરી હતી. સટ્ટાબાજી, જુગાર અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ દ્વારા મેળવેલી આવક સાથે જોડાયેલા 300થી વધુ બેંક ખાતાઓમાં રહેલા 35.80 કરોડની રકમને જપ્ત કરવામાં આવી હતી. આ કાર્યવાહી જિતેન્દ્ર તેજાભાઈ હીરાગર અને અન્ય વિરુદ્ધના કેસમાં 29 ઓક્ટોબર, 2025ના પ્રોવિઝનલ એટેચમેન્ટ ઓર્ડર હેઠળ કરવામાં આવી હતી.
ઈડીના જણાવ્યા મુજબ, તપાસ 448 બેંક ખાતાઓની ચકાસણીથી શરૂ થઈ હતી. આ ખાતાઓ બોગસ દસ્તાવેજના આધાર ખોલવામાં આવ્યા હતા. નાણાંની ગતિવિધિને અનુસરીને, પ્રથમ સ્તરમાં ₹1,000 કરોડથી વધુના વ્યવહારો દર્શાવતા 995થી વધુ વધારાના બેંક ખાતાઓની તપાસ કરવામાં આવી હતી.
આ તપાસ અમદાવાદ શહેર પોલીસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હીરાગર અને અન્ય વિરુદ્ધ મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ હેઠળ નોંધાયેલી FIRના આધારે શરૂ કરવામાં આવી હતી. ઈડીની તપાસમાં બહાર આવ્યું કે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને ખોલવામાં આવેલા આ બેંક ખાતાઓમાં સટ્ટાબાજી, જુગાર અને અન્ય સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હતી. આ ડમી બેંક ખાતાઓનો ઉપયોગ ઓનલાઈન સટ્ટાબાજી અને અન્ય છેતરપિંડીભરી પ્રવૃત્તિઓ દ્વારા વ્યક્તિઓને છેતરવા માટે કરવામાં આવતો હતો.
આ પણ વાંચો…ઈડીની મોટી કાર્યવાહી, 100 કરોડના સાયબર ફ્રોડ કેસમાં ચાર લોકોની ધરપકડ



