પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના, ૨૨મા હપ્તાનો લાભ લેવા ખેડૂતોએ કરવું પડશે આ કામ

ગાંધીનગરઃ પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના આગામી એટલે કે, ૨૨માં હપ્તાનો લાભ વિના વિલંબે મેળવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત આઇડી-ફાર્મર રજીસ્ટ્રીની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. રાજ્યના જે ખેડૂતોએ હજુ સુધી ફાર્મર રજીસ્ટ્રીમાં નોંધણી કરાવવાની બાકી હોય તેવા ખેડૂતોએ સત્વરે ખેડૂત આઇડીની નોંધણી કરાવવા ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
રાજ્યમાં બાકી રહી ગયેલા ખેડૂતો સત્વરે ફાર્મર રજીસ્ટ્રીમાં નોંધણી કરાવી શકે તે માટે અત્યારે ગ્રામીણ કક્ષાએ ઝુંબેશ સ્વરૂપે નોંધણી કરવામાં આવી રહી છે. ખેડૂત લાભાર્થીઓએ સત્વરે નોંધણી કરાવવા માટે ગામના તલાટી કમ મંત્રી અથવા ગ્રામસેવકનો સંપર્ક કરવાનો રહેશે.
આ ઉપરાંત ખેડૂતો જાતે ઘરેથી મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી પણ નોંધણી કરી શકે છે. કોમન સર્વિસ સેન્ટર-CSC અથવા ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર મારફતે પણ ખેડૂત નોંધણી કરાવી શકાશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ખેડૂતોને પ્રાથમિકતા આપીને તેમને સહાયરૂપ થવાના શુભ આશય સાથે પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અમલમાં મૂકી હતી. જે આજે વિશ્વની સૌથી મોટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજના બની છે.આ યોજનાની ન્યાયી અને પારદર્શી પદ્ધતિના પરિણામે દેશના નાના અને સીમાંત ખેડૂતો સુધી પણ આ યોજનાનો ૧૦૦ ટકા લાભ પહોંચી રહ્યો છે. એટલા માટે જ, આજે ખેડૂતોનો સરકાર પ્રત્યે વિશ્વાસ વધુ દ્રઢ બન્યો છે.
પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા ખેડૂતો માટે ભારત સરકાર દ્વારા છેલ્લા આઠ હપ્તાથી તબક્કાવાર લેન્ડ સીડીંગ, આધાર સીડીંગ-ડીબીટી એનેબલ તથા ઈ-કેવાયસી ફરજીયાત કરવામાં આવ્યું છે. ઉપરોક્ત બાબતો પૈકી એકપણ બાબત પૂર્ણ ન થઈ હોય તો લાભાર્થી યોજનાનો લાભ મેળવવાથી વંચિત રહે છે. આ માટે રાજ્યના જે લાભાર્થી ખેડૂતોના હપ્તા ઉક્ત બાબતો પૈકી કોઈ કારણોસર બંધ થયા હોય, તો ખેડૂતોએ સત્વરે તે કાર્યવાહી પૂર્ણ કરવાની રહેશે.
સીડીંગની કાર્યવાહી કેવી રીતે કરવી?
લેન્ડ સીડીંગ બાકી હોય તેવા ખેડૂતોએ જમીનની અદ્યતન વિગતો સાથે ગામના વિલેજ નોડલ ઓફીસર, ગ્રામ સેવક અથવા સંબંધિત જિલ્લા ખેતાવાડી અધિકારીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.
આધાર સીડીંગ બાકી હોય તેવા ખેડૂત લાભાર્થીઓએ લાભાન્વિત બેન્કમાં આધાર કાર્ડ સાથે ઉપસ્થિત રહી આધાર સીડીંગ-ડીબીટી એનેબલ કરાવી લેવાનું રહેશે અથવા નજીકની પોસ્ટ ઓફીસ ખાતે આધાર કાર્ડ સાથે ઉપસ્થિત રહી ઈન્ડીયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં આધાર સીડીંગ-ડીબીટી એનેબલ સાથેનું નવું ખાતુ ખોલાવી લેવાનું રહેશે.
ઈ-કેવાયસી બાકી હોય તેવા લાભાર્થીઓએ આપના ગામના ગ્રામસેવક અથવા વિલેજ નોડલ ઓફીસરનો સંપર્ક કરીને ફેસ ઓથેન્ટીકેશન દ્વારા ઈ-કેવાયસી કરાવી લેવાનું રહેશે અથવા નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) પર અને ઈ-ગ્રામ કેન્દ્ર ખાતે પણ લાભાર્થી ચાર્જ ચુકવીને બાયોમેટ્રિક ઓથેન્ટીફીકેશન દ્વારા ઈ-કેવાયસી કરાવી શકશે.
આ પણ વાંચો…ગુજરાતમાં કેટલા ખેડૂતોએ પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો લીધો લાભ?



