ગુજરાતમાં ‘નશામુક્ત ભારત અભિયાન’ની મોટી સફળતા; 70 લાખ લોકો સુધી પહોંચ્યો મેસેજ

ગાંધીનગરઃ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા તા.૧૫ ઓગસ્ટ ૨૦૨૦માં દેશના ૨૭૨ જિલ્લાઓમાં ‘નશામુક્ત ભારત અભિયાન’ શરુ કરવામાં આવ્યું હતું. જે પૈકી ગુજરાતના અમદાવાદ, વડોદરા, ભરૂચ, મહેસાણા, સુરત, રાજકોટ, જામનગર, પોરબંદર મળીને કુલ આઠ જિલ્લાઓમાં આ અભિયાન સૌ પ્રથમ શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાનની ભવ્ય સફળતા બાદ તા.૧૫ ઓગસ્ટ ૨૦૨૨માં ગુજરાતના બનાસકાંઠા, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, વલસાડ ગાંધીનગર તેમજ તા.૧૫ ઓગસ્ટ ૨૦૨૪માં દેશના બાકી તમામ જિલ્લાઓમાં નશા મુક્ત ભારત અભિયાન (NMBA) શરૂ કરવામાં આવ્યું હતું.
‘નશામુક્ત ભારત અભિયાન’નો મુખ્ય હેતુ નશીલા પદાર્થોના દુરુપયોગના નુક્શાન અંગે જન જાગૃતિ લાવવાનો છે. આ અભિયાન અંતર્ગત ગુજરાતના તમામ જિલ્લાઓમાં યુવાનો, વિદ્યાર્થીઓ, મહિલાઓ તેમજ સામાજિક સંસ્થાઓની સક્રિય ભાગીદારી સાથે વિવિધ વિભાગોની સ્થાનિક કચેરીઓના સંકલનમાં રહીને સમાજમાં નશીલા પદાર્થો અને માદક દ્રવ્યોના દુરુપયોગની સાથે તેની આડઅસરો અંગે જાગૃતિ લાવવામાં આવે છે.
આ અભિયાન થકી સ્કૂલ, કોલેજ, રહેણાંક સંસ્થાઓ તેમજ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં રેલીઓ, સાઈન અભિયાન, સેમિનાર, નશામુક્તિ રથ, નશામુક્તિ અંગેના શપથ ગ્રહણ કાર્યક્રમો, સંબંધિત પ્રચાર-પ્રસાર સામગ્રીનું વિતરણ, ચિત્રસ્પર્ધા, નિબંધ સ્પર્ધા વગેરે પ્રવૃત્તિઓના માધ્યમથી નાગરિકોમાં જાગૃતિ લાવવામાં આવી છે. આ અભિયાન હેઠળ રાજ્યના તમામ જિલ્લાઓમાં મળીને અંદાજિત કુલ ૨૦,૦૦૦ થી વધુ વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં અંદાજિત ૭૦ લાખથી વધુ નાગરિકોએ સહભાગી બનીને આ અભિયાનને સફળ બનાવ્યું છે.



