ગાંધીનગરમાં શેરબજારનાં દેવાને કારણે માસૂમ દીકરા અને પત્નીને ઉતારી મોતને ઘાટ

ગાંધીનગર: ગાંધીનગરનાં સરગાસણમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી હતી. જ્યાં પતિએ પહેલા પત્નીને ગળે ટૂંપો આપ્યા બાદ 5 વર્ષના દીકરાને માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડીને પોતે નસ કાપીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસને એક સુસાઇડ નોટ મળી આવી હતી જેમાં શેરબજારમાં દેવું થઈ જતાં આ પગલું ભર્યું હોવાન ઉલ્લેખ કર્યો છે.
પત્ની અને પુત્રની હત્યા
પોલીસ ફરિયાદ અનુસાર, સરગાસણની સ્વાગત નેનો સિટી સોસાયટીમાં રહેતા હરેશ કનુભાઈ વાઘેલાએ પહેલા તેની પત્ની આશાબેનનું ગળું દબાવીને હત્યા કરી હતી. ત્યારબાદ તેણે તેના 5 વર્ષના પુત્ર ધ્રુવનાં માથા પર તિજોરી મારીને હત્યા કરી દીધી. આ બંને હત્યાને અંજામ આપ્યા બાદ આરોપીએ પોતાની નસ કાપીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
આરોપીનાં સાળાએ નોંધાવી ફરિયાદ
આ અંગે આરોપીનાં સાળા કિશોરભાઈએ ઇન્ફૉસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તે મૂજબ સોસાયટીનાં કોઇ ભાઈએ ફોન કરીને તેના બનેવીએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની જાણ કરી હતી. આથી ફરિયાદીનો નાનો ભાઈ બહેનનાં ઘરે પહોંચ્યો ત્યારે તેમના બહેન અને ભાણેજ બંને ચત્તા પડ્યા હતા જ્યારે બનેવી બેભાન હાલતમાં પડ્યા હતાઆ. 108 એમ્બ્યુલન્સ આવતા તેમણે આશાબેન અને પુત્ર ધ્રુવને મૃત જાહેર કર્યા હતા, જ્યારે હરેશભાઈને ગાંધીનગર દાખલ કરવામાં આવ્યા હતા.
મૂળ સુરેન્દ્રનગરનાં વતની
પોલીસ ફરિયાદની વિગતો અનુસાર હરેશભાઈ મૂળ સુરેન્દ્રનગરનાં વતની છે અને નવ વર્ષ પૂર્વે આશાબેન સાથે તેમના લગ્ન થયા હતા. હરેશભાઈ એક સલુનમાં નોકરી કરે છે જ્યારે આશાબેન રસોઈ બનાવવાનું કામ કરે છે. તેઓ છેલ્લા દોઢેક વર્ષથી ગાંધીનગરનાં સરગાસણમાં રહેતા હતા.