રાશનકાર્ડ ધારકોને દિવાળી ભેટઃ રાજ્યમાં ૩.૨૬ કરોડ લોકોને ઘઉં, ચોખા મળશે | મુંબઈ સમાચાર
ગાંધીનગર

રાશનકાર્ડ ધારકોને દિવાળી ભેટઃ રાજ્યમાં ૩.૨૬ કરોડ લોકોને ઘઉં, ચોખા મળશે

ગાંધીનગરઃ “રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા” -N.F.S.A. હેઠળ સમાવિષ્ટ રાજયના અંત્યોદય અને બી.પી.એલ પરિવારો દિવાળીના તહેવારો વધુ સારી રીતે ઉજવી શકે તે માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે, જેમાં રાજ્યના ૭૫ લાખથી વધુ રેશનકાર્ડધારકોના ૩.૨૬ કરોડ સભ્યોને “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” અંતર્ગત ઘઉં, ચોખા, શ્રી અન્ન એટલે કે બાજરી અને જુવારનું રાજ્યભરની ૧૭ હજારથી વધુ વાજબી ભાવની દુકાનોથી વિના મૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે.

આ પરિવારોને રાહતદરે વધારાની ખાંડ અને ખાદ્ય તેલ વિતરણ કરવાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વવાળી અમારી સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે તેમ, અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું.

આપણ વાંચો: ગુજરાત સરકારની મોટી કાર્યવાહી, 55 લાખ શંકાસ્પદ રેશન કાર્ડ ધારકોને નોટિસ ફટકારાઈ

પ્રધાન કુંવરજીભાઇ બાવળીયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્યના “અંત્યોદય અન્ન યોજના”ના (A.A.Y.) કુટુંબોને પ્રતિ કાર્ડ કુલ ૩૫ કિલો અનાજ તેમજ “અગ્રતા ધરાવતા કુટુંબો” (P.H.H.) ને વ્યક્તિદીઠ ૫ કિલો અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે.

રાજ્ય સરકારની યોજના હેઠળ, N.F.S.A.-૨૦૧૩ હેઠળના અંત્યોદય અને અગ્રતા ધરાવતા દરેક કુટુંબોને પ્રોટીનસભર આહાર મળી રહે તે માટે ચણા કાર્ડદીઠ ૧ કિલો રૂ. ૩૦/- પ્રતિ કિલોના રાહતદરે તથા તુવેરદાળ કાર્ડદીઠ ૧ કિલો રૂ. ૫૦/- પ્રતિ કિલોના રાહતદરે વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત રાજ્ય સરકારની યોજના હેઠળ, N.F.S.A.-૨૦૧૩ હેઠળના અંત્યોદય અને અગ્રતા ધરાવતા દરેક કુટુંબોને મીઠું કાર્ડદીઠ ૧ કિલો રૂ. ૧/- પ્રતિ કિલોના રાહતદરે વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.

તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને દિવાળીના તહેવાર નિમિત્તે N.F.S.A.-૨૦૧૩ હેઠળ સમાવિષ્ટ કુટુંબોને ગુણવત્તાયુક્ત ખાદ્યતેલ (સીંગતેલ) બજાર ભાવથી ઓછી કિંમતે કાર્ડદીઠ ૧ લીટર પાઉચ રૂ.૧૦૦/- પ્રતિ લીટરના રાહત દરે તથા બીપીએલ અને અંત્યોદય કુટુંબોને મળવાપાત્ર જથ્થા ઉપરાંત વધારાની ૧ કિલો ખાંડ, એટલે કે બીપીએલ કુટુંબોને કાર્ડદીઠ ૧ કિલો રૂ.૨૨/- પ્રતિ કિલોના રાહત દરે તથા અંત્યોદય કુટુંબોને કાર્ડદીઠ ૧ કિલો રૂ.૧૫/- પ્રતિ કિલોના રાહત દરે વિતરણ કરવામાં આવી રહ્યું છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button