ભાજપમાં શિસ્ત ચીંથરેહાલ? કલોલ નગરપાલિકામાં છુટ્ટે હાથે મારામારીના દ્રશ્યો વાયરલ
કલોલ: પાટનગર ગાંધીનગર જિલ્લાના કલોલ નગરપાલિકામાં કામગીરી દરમિયાન બે જૂથો આમને સામને આવી ગયા હતા અને ખુલ્લા હાથની મારામારી સુધી પહોંચી ગયા હતા. હાલ મળતી માહિતીઓ અનુસાર નગરપાલિકામાં વિકાસના કામોના રિ ટેન્ડરિંગને લઇ વિવાદ ઊભો થયો હતો. શિસ્તની પાર્ટી ગણાતી ભાજપ શાસિત નગરપાલિકામાં શિસ્તની વાતોના લીરે લીરા ઊડી ગયા હતા.
હાલ ગાંધીનગર જિલ્લાના કલોલ નગરપાલિકાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં વિકાસના કામોના રિ ટેન્ડરિંગને લઇ બખેડો ખડો થયો હતો. જો કે આ વિવાદ એટલો ઉગ્ર બની ગયો હતો કે છેક મારામારી સુધી પહોંચી ગયો હતો. આ આખો વિવાદ સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરેલા કામોનું ફરીથી રી-ટેન્ડરિંગ કરતા સર્જાયો હતો.
વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે કચેરીમાં હાજર લોકોએ મારામારી કરી હતી અને ખુરશી પણ માથે ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. લોકો આરોપ કરી રહ્યા છે કે એક તરફ સમસ્યાઓથી લોકો હેરાન થઈ રહ્યા છે ત્યારે નગરપાલિકાએ કામોનું ફરીથી ટેન્ડરિંગ કરવા પ્રક્રિયા હાથ ધર્યું છે. આથી લોકોમાં તંત્ર સામે રોષ ભભૂકી ઉઠ્યો છે. જો કે આ વિરોધ ભાજપના જ કાર્યકરો દ્વારા કરવામાં આવ્યો હોવાની વિગતો મળી રહી છે.