ગાંધીનગર

અમદાવાદથી ધોલેરા માત્ર ૫૦ મિનિટમાં પહોંચી શકાશે, જાણો ક્યારે કામગીરી થશે પૂર્ણ

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર હાલ ચાલી રહ્યું છે. અમદાવાદ જિલ્લાના ધોલેરા SIRની વિકાસ કામગીરી અંગે પ્રત્યુત્તર આપતાં ઉદ્યોગ પ્રધાન બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે આ પ્રોજેક્ટ હેઠળ ધોલેરા SIR ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટીની રચનાની કામગીરી પ્રગતિમાં છે. અહીં અત્યાર સુધીમાં વિવિધ સેક્ટરમાં કુલ રૂ. ૩૫,૯૮૪.૫૮ કરોડનું રોકાણ પણ મળ્યું છે. પ્રધાન રાજપૂતે જણાવ્યું કે આગામી જૂન, ૨૦૨૫ સુધીમાં ૧૧૦ કિમીના અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવેનું કામ પૂર્ણ કરવામાં આવશે. જેનાથી અમદાવાદથી ધોલેરા માત્ર ૫૦ મિનિટમાં પહોંચી શકાશે.

આ પણ વાંચો…ગુજરાતમાં બીજા દિવસે પણ અસામાજિક તત્વોના મકાન પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર…

તેમણે વધુમાં ઉમેર્યું કે ગુજરાત ખાસ મૂડીરોકાણ પ્રદેશ અધિનિયમ, ૨૦૦૯ હેઠળ તા. ૨૨ મે, ૨૦૦૯ના રોજ ધોલેરા SIR જાહેર કરવામાં આવ્યો છે. ધોલેરા SIRમાં ૨૨ ગામોનો સમાવેશ થાય છે. જેનું કુલ કાર્યક્ષેત્ર ૯૨૦ ચો.કિ.મી. છે. અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવેના અમલીકરણ માટે છ ડ્રાફ્ટ નગરરચનાઓને ૨૭ પ્રાંરભિક નગરરચનાઓમાં વિભાજિત કરવામાં આવી છે. જેમાંથી ૧૧ પ્રાંરભિક નગરરચનાઓની કાર્યવાહી પ્રગતિમાં છે.

આ નગરરચના અંતર્ગત, મૂળખંડના ૫૦ ટકા જમીન આંતરમાળખાકીય અને સામાજિક સુવિધાના વિકાસ માટે વપરાય છે. બાકીની ૫૦ ટકા જમીન, મૂળ જમીનધારકને ફાઇનલ પ્લોટ સ્વરૂપે પાછી મળે છે. પ્રધાને જણાવ્યું કે અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવેના પ્રોજેકટને નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા દ્વારા ભારતમાલા પરિયોજના હેઠળ ઇ.પી.સી. મોડ પર લેવામાં આવ્યો છે. જેના અમલીકરણની કાર્યવાહી પ્રગતિમાં અને કેટલાંક કામ વર્ષ ૨૦૨૫માં પૂર્ણ થશે.

આ જ પ્રકારે, ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે એરપોર્ટ ઑથોરિટી દ્વારા સાઇટ ડેવલપમેન્ટ, રનવે, ટેક્ષીવે અને અન્ય સુવિધાના નિર્માણનું ટેન્ડર જાહેર કર્યું છે. તદુપરાંત , ટર્મિનલ બિલ્ડિંગ અને એ.ટી.સી.ના બિલ્ડિંગ નિર્માણને લગતી કાર્યવાહી પ્રગતિમાં છે તેમ તેમણે ઉમેર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button