ગાંધીનગર

ધારીને મળ્યો નગરપાલિકાનો દરજ્જો; રાજ્યમાં હવે 160 નગરપાલિકા

ગાંધીનગર: અમરેલી જિલ્લાના ધારીને નવી નગરપાલિકા બનાવવાની મંજૂરી આપવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. ધારી ગ્રામ પંચાયતની નજીકના વિસ્તારના પ્રેમપરા, હરિપરા, વેકરીયાપરા, નવાપરા-લાઈનપરા જૂથ ગ્રામપંચાયત ભેળવી દઈને આ નવી ધારી નગરપાલિકા બનાવવામાં આવશે. આ સિવાય ઈડર નગરપાલિકાની હદ વધારવામાં આવશે. ધારી રાજ્યમાં 160મી નગરપાલિકા બનશે.

આ પણ વાંચો: કચરામાંથી કંચનઃ ગુજરાતમાં ૩ વર્ષમાં કચરામાંથી ૨૭,૭૩૫ મેટ્રિક ટન ખાતર બનાવવામાં આવ્યું

ગીર નજીકનું પ્રવાસન કેન્દ્ર

અમરેલી જિલ્લામાં ગીરના જંગલના સીમાડે આંબરડી સફારી પાર્ક તથા પ્રાચીન ગળધરા ખોડીયાર મંદિરથી 6 કિલોમીટરના અંતરે ધારી વસેલું છે. એટલું જ નહિં, ધારીમાં ગીર પૂર્વ અભયારણ્ય અને જંગલ વિસ્તાર આવેલા હોઈ મોટી સંખ્યામાં વર્ષ દરમ્યાન પ્રવાસીઓ આવતા રહે છે.

જંગલની આગની મળશે અગ્નિશમન સેવાઓ

એટલું જ નહિં, ધારી તાલુકાના 25 જેટલા ગામો જંગલ વિસ્તારના હોવાથી ક્યારેક જંગલની આગના બનાવો બને તેવા સમયે ફાયર ફાઈટર અને અગ્નિશમન સેવાઓ પણ આ નગરપાલિકા દ્વારા સરળતાએ સમયસર મળે તેવો આશય પણ નગરપાલિકાની રચનામાં રહેલો છે.

ઇડર નગરપાલિકાનો વિસ્તાર વધ્યો

આ ઉપરાંત રાજ્ય સરકારે સાબરકાંઠાની ઈડર નગરપાલિકામાં જવાનપુરા-સદાતપુરા ગામ અને સોસાયટી વિસ્તારનો પણ સમાવેશ કરવાની દરખાસ્તને મંજૂરી આપી છે. ઘણા લાંબા સમયની માંગણીનો રાજ્ય સરકારે સકારાત્મક પ્રતિસાદ આપીને આ બે ગ્રામપંચાયતોનો ઈડર નગરપાલિકામાં મર્જ કરવા નિર્ણય કર્યો છે.

રાજ્યની 160મી નગરપાલિકા

હાલ રાજ્યમાં ‘અ’ વર્ગની 22, ‘બ’ વર્ગની 30, ‘ક’ વર્ગની 60 અને ‘ડ’ વર્ગની 42 મળી કુલ 159 નગરપાલિકાઓ કાર્યરત છે.
હવે તેમાં આ નવી ‘ડ’ વર્ગની નગરપાલિકા ધારી નગરપાલિકાનો ઉમેરો થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button