
જયપુર/ગાંધીનગર: તાજેતરમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશમાં કફ સીરફના કારણે બાળકોના થયેલા મોતનો મામલો ચર્ચામાં છે. ત્યારે આ દરમિયાન ગુજરાત સ્થિત બે ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા ઉત્પાદિત કફ સિરપના સેમ્પલ ડ્રગ સેફ્ટી ટેસ્ટમાં નિષ્ફળ જતાં રાજસ્થાનના આરોગ્ય વિભાગે તાત્કાલિક પગલાં લેવા આદેશ આપ્યો છે. આ મામલે ગુજરાત સરકારે રાજસ્થાનના આરોગ્ય વિભાગને જાણ કરતાં જ રાજસ્થાનમાં ખળભળાટ મચી ગયો છે અને ત્યાંની સરકારે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે.
નમૂનાઓમાં ‘ડાઇથિલિન ગ્લાયકોલ’નું પ્રમાણ આદર્શ મર્યાદા કરતાં ઘણું વધારે મળી આવ્યું હતું. DEG એક ઝેરી પ્રવાહી છે, જે મુખ્યત્વે એન્ટિફ્રીઝ અને બ્રેક ફ્લુઇડ જેવા ઔદ્યોગિક દ્રાવકોમાં વપરાય છે. એક વરિષ્ઠ આરોગ્ય અધિકારીએ માહિતી આપતા જણાવ્યું કે, “અમદાવાદની ડેપ્યુટી ડ્રગ કંટ્રોલરની ઝોનલ ઓફિસે અમને જાણ કરી છે કે ગુજરાત સ્થિત બે કંપનીઓના કફ સિરપના નમૂનાઓ સબ-સ્ટાન્ડર્ડ અને ભેળસેળવાળા જણાયા છે. આથી, આ બે દવાઓ અંગે સમગ્ર રાજસ્થાનમાં એલર્ટ નોટિસ મોકલી દેવામાં આવી છે.” રાજસ્થાનના ડ્રગ સેફ્ટી અધિકારીઓને ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, ૧૯૪૦ અને તેના નિયમો, ૧૯૪૫ની જોગવાઈઓ હેઠળ તાત્કાલિક જરૂરપગલાં લેવા માટે સૂચના આપવામાં આવી છે.
આપણ વાંચો: આ કેન્દ્રીય પ્રધાનને આવક ઓછી પડી રહી છે! ટૂંક સમયમાં રાજીનામું આપશે
કઈ દવાઓ વિવાદમાં?
સુરત સ્થિત કંપનીનું કફ સિરપ: આ દવા બ્રોન્કાઇટિસ, બ્રોન્કિયલ અસ્થમા અને અન્ય શ્વસન સંબંધી વિકારોમાં રાહત આપવા માટે ચાર ઘટકોના સંયોજન તરીકે ઉપયોગમાં લેવાય છે. સુરત જિલ્લાના શેખપુર વિસ્તારમાં આવેલી એક કંપની દ્વારા તેનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. તેમાં DEGનું પ્રમાણ મર્યાદા કરતાં વધુ જણાયું છે. બીજી દવા પણ ચાર ઘટકોનું સંયોજન છે અને તે પણ શ્વસન સંબંધી વિકારોની સારવાર માટે વપરાય છે. તેમાં પણ DEGનું પ્રમાણ ચિંતાજનક રીતે ઊંચું મળી આવ્યું છે.
જનજાગૃતિ અને વૈકલ્પિક સારવાર પર ભાર
રાજસ્થાનમાં સરકારી વિનામૂલ્યે દવા યોજના હેઠળ વિતરણ કરાયેલા કફ સિરપ સાથે જોડાયેલા ચાર બાળકોના મૃત્યુ બાદ, આરોગ્ય વિભાગ શંકાસ્પદ કફ સિરપ પર પ્રતિબંધ મૂકવા માટેની કામગીરી કરી રહ્યું છે. અધિકારીઓએ જણાવ્યું છે કે, ડોક્ટરો, ફાર્માસિસ્ટો અને સામાન્ય જનતા માટે દવાઓના યોગ્ય ઉપયોગ અંગે જાગૃતિ માટે વ્યાપક કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે જ કફ અને સંબંધિત લક્ષણોની સારવાર માટે વૈકલ્પિક દવાઓ દ્વારા સારવાર પર પણ નવેસરથી ભાર મૂકવામાં આવી રહ્યો છે.