કપાસ ઉત્પાદનમાં ગુજરાત દેશમાં બીજા ક્રમે: ૭૧ લાખ ગાંસડીનું ઐતિહાસિક ઉત્પાદન | મુંબઈ સમાચાર
ગાંધીનગર

કપાસ ઉત્પાદનમાં ગુજરાત દેશમાં બીજા ક્રમે: ૭૧ લાખ ગાંસડીનું ઐતિહાસિક ઉત્પાદન

ગાંધીનગરઃ સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૭ ઓકટોબરને “વિશ્વ કપાસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ‘સફેદ સોના’ તરીકે ઓળખાતા કપાસ સાથે ગુજરાતનો સંબંધ વર્ષો જૂનો છે. અનેક દાયકાઓથી કપાસના વાવેતર અને સુધારણા માટે ગુજરાત જાગૃત, પ્રયત્નશીલ અને અગ્રેસર રહ્યું છે.

રાજ્યને કપાસ દ્વારા અબજો રૂપિયાની આવક

ભારત અને ગુજરાતના અર્થતંત્રમાં કપાસ ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. તેનું ઉદાહરણ જોઈએ તો, ગુજરાતની વર્ષ ૧૯૬૦માં સ્થાપન થઈ ત્યારે ગુજરાતની કપાસ ઉત્પાદકતા માત્ર ૧૩૯ કિ.ગ્રા રૂ પ્રતિ હેક્ટર હતી, જે આજે વધીને આશરે ૫૧૨ કિ.ગ્રા રૂ પ્રતિ હેક્ટર સુધી પહોંચી છે, જે દેશની સરેરાશ કપાસ ઉત્પાદકતા કરતા પણ વધુ છે.

આ આંકડા પરથી જ અંદાજ લગાવી શકાય કે, સંશોધન, વિસ્તરણ, સરકારના ખેડૂતલક્ષી અભિગમ અને ખેડૂતોના અથાગ પ્રયત્નોથી રાજ્યને કપાસ દ્વારા અબજો રૂપિયાની આવક થઇ છે. જે કોઈપણ રાજ્યના અર્થતંત્ર માટે નાની-સૂની બાબત નથી.

કૃષિ પ્રધાન રાઘવજી પટેલે કપાસ સંદર્ભે વિગતવાર વાત કરતાં જણાવ્યું હતું કે, ભારત દેશ આઝાદ થયો ત્યારે સુતરાઉ કાપડની મોટાભાગની મીલો ભારતમાં રહી અને કપાસનું સારૂ ઉત્પાદન કરતો પ્રદેશ પાકિસ્તાનના ભાગે ગયો. પરિણામે ભારતમાં કાચા માલની ખેંચ રહેવાથી કિંમતી હુંડિયામણ ખર્ચીને આપણે વિદેશથી કપાસની આયાત કરવી પડતી હતી.

આપણ વાંચો: ખરીફ કપાસની મોસમમાં ટેકાના ભાવના ધોરણોનું પાલન કરવા કેન્દ્રનો રાજ્યોને અનુરોધ

દેશમાં ૧૯૭૧ પછી સંકર કપાસનો યુગ શરૂ થયો

વર્ષ ૧૯૭૧માં સુરત ખાતેના સંશોધન ફાર્મ દ્વારા સંશોધન બાદ વિકસાવેલી કપાસની સંકર-૪ નામની જાત પછી સમગ્ર દેશમાં સંકર કપાસનો યુગ શરૂ થયો અને ટૂંક સમયમાં જ ભારતની કપાસ ઉત્પાદકતામાં ધરખમ વધારો થયો.

જેના પરિણામે ભારતની કાચા માલની જરૂરીયાત તો પૂર્ણ થઈ જ, પરંતુ વધારાના ઉત્પાદનની નિકાસ પણ આપણો દેશ કરતો થયો. વર્ષ ૨૦૨0-૨૧માં ભારતે રેકોર્ડ બ્રેક રૂ. ૧૭,૯૧૪ કરોડની કિંમતના કપાસનો નિકાસ કર્યો હતો, તેમ તેમણે ઉમેર્યું હતું.

આપણ વાંચો: અમરેલી જિલ્લામાં સરેરાશ 25 ઇંચથી વધુ વરસાદઃ છેલ્લા ચાર દિવસના વરસાદથી કપાસ-મગફળીના પાકને નુકસાનની ભીતિ

બે દાયકામાં કપાસ ઉત્પાદન ક્ષેત્રે ગુજરાતનું ચિત્ર બદલાયું

પ્રધાન પટેલે જણાવ્યું કે, ગુજરાતનાં તત્કાલીન મુખ્ય પ્રધાન અને હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ છેલ્લા બે દાયકામાં કપાસ ઉત્પાદન ક્ષેત્રે ગુજરાતનું ચિત્ર બદલાયું છે. તેમના સબળ નેતૃત્વ હેઠળ થયેલા વિવિધ પ્રયાસોના પરિણામે વર્ષ ૨૦૦૧-૦૨ સુધી ગુજરાતમાં કપાસનો વાવેતર વિસ્તાર જે ૧૭.૪૯ લાખ હેક્ટર હતો, તે વર્ષ ૨૦૨૪-૨૫ સુધીમાં વધીને ૨૩.૭૧ લાખ હેક્ટર થયો છે.

સાથે જ, કપાસનું ઉત્પાદન પણ ૧૭ લાખ ગાંસડીથી વધીને વર્ષ ૨૦૨૪-૨૫માં ૭૧ લાખ ગાંસડી અને ઉત્પાદકતા ૧૬૫ કિ.ગ્રા. રૂ પ્રતિ હેક્ટરથી વધીને વર્ષ ૨૦૨૪-૨૫ સુધીમાં ૫૧૨ કિ.ગ્રા. રૂ પ્રતિ હેક્ટર સુધી પહોંચી છે.

આપણ વાંચો: અમરેલીના ખેડૂતો માટે ખુશખબરઃ કપાસના પાક નુકસાનીની સહાય માટે આવતીકાલથી કરી શકાશે અરજી

ગુજરાત સમગ્ર દેશના કપાસ ઉત્પાદનનું હબ બનશે

ગુજરાત આજે કપાસના વાવેતર વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતામાં સમગ્ર દેશમાં દ્વિતીય ક્રમે છે. ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬માં અત્યાર સુધીમાં રાજ્યના કુલ ૨૧.૩૯ લાખ હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર થયું છે અને આ વર્ષે પણ કુલ ૭૩ લાખ ગાંસડી ઉત્પાદન થવાનો અંદાજ છે. આજે દેશના કુલ કપાસ વાવેતરમાં ૨૦ ટકા અને કુલ કપાસ ઉત્પાદનમાં આશરે ૨૫ ટકાનો ફાળો ગુજરાતનો છે.

રાજ્ય સરકારની અનેકવિધ પ્રોત્સાહક યોજનાઓ અને કપાસ સંવર્ધનના પ્રયાસોના પરિણામે આવનાર સમયમાં ગુજરાત સમગ્ર દેશના કપાસ ઉત્પાદનનું હબ બનશે અને દેશના કુલ કપાસ ઉત્પાદનમાં ગુજરાતનું યોગદાન સૌથી વધુ રહેશે, તેવો પ્રધાન વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

પ્રધાને કહ્યું કે, બીટી કપાસ યુગમાં પણ સમગ્ર દેશમાં બીટી સંકર જાતો વિકસાવવા અને તેની માન્યતા મેળવવામાં ગુજરાત અગ્રેસર રહ્યું હતું. ગુજરાત સરકારના સઘન પ્રયત્નો થકી જાહેર ક્ષેત્રની પ્રથમ ૨ બીટી સંકર જાતો – ગુજરાત કપાસ સંકર-૬ બીજી-૨ અને ગુજરાત કપાસ સંકર-૮ બીજી-૨ને વર્ષ ૨૦૧૨માં ભારત સરકાર દ્રારા માન્યતા મળી હતી.

ત્યારબાદ વર્ષ ૨૦૧૫માં અન્ય બે બીટી સંકર જાતો – ગુજરાત કપાસ સંકર-૧૦ બીજી-૨ અને ગુજરાત કપાસ સંકર-૧૨ બીજી-૨‌ જાતો વિકાસવીને ગુજરાતે ખેડૂતોને કપાસ વાવેતર માટે બીટી કપાસની ચાર જાતો વાવેતર માટે ઉપલબ્ધ કરાવી.

સમગ્ર વિશ્વમાં સતત થઇ રહેલ વસ્તી વધારાના કારણે ભવિષ્યમાં કુદરતી રેસા, વસ્ત્રો, ખાદ્યતેલ અને પશુ આહાર માટેના કપાસીયા ખોળની હાલ કરતા વર્ષ ૨૦૩૦ સુધીમાં દોઢ ગણી અને ૨૦૪૦ સુધીમાં બમણી સંભવિત જરૂરિયાતો ઊભી થશે.

આ જરૂરિયાતોને ધ્યાને લઈને સંશોધનો, નવા અને અદ્યતન વિચારો તેમજ ઘરેલું ઉત્પાદનમાં આત્મનિર્ભરતા કેળવી કપાસની નિકાસ કરીને દેશના અર્થતંત્રમાં ગુજરાત અમૂલ્ય ફાળો આપી શકે છે, તેવો પ્રધાને સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button