ગુજરાત વિધાનસભામાં કૉંગ્રેસ, આમ આદમી પાર્ટીએ કર્યું વોકઆઉટ

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજે પાંચમો દિવસ છે. વિધાનસભા ગૃહમાં આદિવાસીઓની શિષ્યવૃત્તિ મુદ્દે હોબાળો થયો હતો. જે બાદ કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો દ્વારા વોકઆઉટ કરવામાં આવ્યું હતું. ધારાસભ્યોએ વિધાનસભા ગૃહની બહાર સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા.
આપના ચૈતર વસાવાએ શું કહ્યું
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું કે ભાજપની આ સરકારે 28 ઓક્ટોબર 2024ના રોજ આ યોજનામાં બંધ કરવા માટે ઠરાવ કર્યો હતો. અમારી માંગ છે કે આદિવાસીઓ સમાજની આ શિષ્યવૃત્તિ ચાલુ કરાવવાના આવે. આ આદિવાસી વિરોધી ભાજપ સરકારને શું જરૂર પડી કે આદિવાસીઓની શિક્ષણની શિષ્યવૃત્તિ બંધ કરવામાં આવી.
યોજના મુદ્દે પ્રશ્ન પૂછ્યો તો સરકારે જવાબ ન આપ્યો અને વાર્તા કરીઃ તુષાર ચૌધરી
આદિવાસી સમાજના વિદ્યાર્થીઓની સ્કોલરશીપ મુદ્દે ધારાસભ્ય ડૉ. તુષાર ચૌધરીએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી સ્કોલરશીપ ચાલુ કરવામાં આવી હતી. આ સ્કોલરશીપ મેનેજમેન્ટ ક્વોટામાં આપવામાં આવતી હતી જે હવે રાજ્ય સરકાર દ્વારા એક ઠરાવ કરીને બંધ કરી દીધી છે. આ યોજના મુદ્દે પ્રશ્ન પૂછ્યો તો સરકારે જવાબ ન આપ્યો અને વાર્તા કરી. અમારી માંગ હતી કે જવાબ આપો કે યોજના ફરી ચાલુ કરવા માંગો છો કે નહીં.
અનંત પટેલે જણાવ્યું કે આદિવાસી સમાજ ભણે એ આ સરકારને ગમતું નથી. પ્રધાન કુબેર ડિંડોર આદિવાસી સમાજના શિક્ષણની વાત કરતા નથી. આદિવાસી સમાજના એક પણ ભાજપના ધારાસભ્યે અમને સમર્થન કર્યું નથી પરંતુ અમે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ અને સમાજ સાથે છીએ.