CMOમાં મનોજદાસનું કોણ લેશે સ્થાન? રાજ્યમાં જાહેર હિસાબ સમિતિ સહિત અન્ય કમિટીઓમાં નિમણૂંક ક્યારે?

ગાંધીનગરઃ રાજ્યમાં પ્રધાનમંડળના વિસ્તરણ બાદ નવી નિમણૂકો પર જાણે બ્રેક લાગી ગઈ છે. મુખ્યપ્રધાન કાર્યાલયમાં અધિક મુખ્ય સચિવથી માંડીને ગૃહ સચિવ સહિત અન્ય પદો પર નિમણૂક થઈ નથી. આ ઉપરાંત દસેક ધારાસભ્યોને પ્રધાનપદની લોટરી લાગતા ઉપદંડકથી માંડી વિધાનસભામાં વિવિધ કમિટીની નિમણૂંક થઈ શકી નથી.
આ બે મહિલા અધિકારીઓ છે રેસમાં
મુખ્યપ્રધાન કાર્યાલયમાં એમ કે દાસની મુખ્ય સચિવપદે નિમણૂંક બાદ તેમના સ્થાને હજુ સુધી કોઈ નાવા અધિકારીની નિમણૂંક થઈ નથી. હાલ સીએમઓમાં ડો. વિક્રાંત પાંડે અને અવતિંકાસિંઘ પાસે જવાબદારી છે. તેમજ એમ કે દાસ પાસે પણ ગૃહ વિભાગના સચિવની જવાબદારી છે. હજુ સુધી નવા ગૃહ સચિવની નિમણૂંક કરવામાં આવી નથી. મહિલા આઈએએસને આ પદ મળી શકે છે અને આ માટે જયંતિ રવિ અને અંજૂ શર્માના નામ ચર્ચામાં છે.
કઈ કઈ કમિટીમાં જગ્યા છે ખાલી
બીજી તરફ પ્રધાનમંડળ વિસ્તરણ વખતે કૌશિક વેકરિયા અને રમણ સોલંકીને પ્રધાનપદ મળ્યું હતું. જેના કારણે બે ઉપદંડકની જગ્યા ખાલી છે. આ સ્થાન મેળવવા હાલ લોબિંગ પણ શરૂ થઈ ગયું છે. આ ઉપરાંત વિધાનસભાની જાહેર હિસાબી સમિતિ પ્રમુખ જીતુ વાઘાણી સહિત અર્જુન મોઢવાડિયા, કાંતિ અમૃતિયા, નરેશ પટેલ, પ્રવિણ માળી પ્રધાન બનતા આ સમિતિમાં જગ્યા ખાલી પડી છે.
આ ઉપરાંત અંદાજ સમિતિમાંથી મનીષા વકીલ, બક્ષીપંચ સમિતિમાંથી ત્રિકમ છાંગા અને પ્રવિણ માળી, એસ ટી કમિટીમાંથી પી સી બરંડા પ્રધાન બન્યા છે. આ તમામ કમિટીમાં જગ્યા ખાલી પડી છે, જેથી ક્યારે નવી કમિટીમાં ક્યારે નિમણૂંક થશે તેના પર નજર રહેશે.
આપણ વાંચો: પ્રેંક vs પતિ: અમદાવાદમાં RJ સાથે મળી પત્નીને પ્રેંક કરવો પડ્યો ભારે, પતિએ કરી આ આ માંગ



