ગુજરાત વિધાનસભામાં ઓપરેશન સિંદૂરની સફળતા પર મુખ્યમંત્રીએ રજૂ કર્યો અભિનંદન પ્રસ્તાવ: PM મોદી અને સેનાના હિંમતભર્યા પગલાંની સરાહના | મુંબઈ સમાચાર
ગાંધીનગર

ગુજરાત વિધાનસભામાં ઓપરેશન સિંદૂરની સફળતા પર મુખ્યમંત્રીએ રજૂ કર્યો અભિનંદન પ્રસ્તાવ: PM મોદી અને સેનાના હિંમતભર્યા પગલાંની સરાહના

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા સત્રના બીજા દિવસે ઓપરેશન સિંદૂરની આ સફળતા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને દેશની સેનાને અભિનંદન આપતો પ્રસ્તાવ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા ગૃહમાં રજૂ કર્યો હતો. તેમણે આ પ્રસ્તાવ રજૂ કરતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આપણી સેનાએ પાર પાડેલું આ ઓપરેશન સિંદૂર માત્ર સૈન્ય કાર્યવાહી નથી, પરંતુ ત્રાસવાદ, આતંકવાદ સામેના દાયકાઓના લાંબા સંઘર્ષ અને ભારતની આતંકવાદ સામેની ઝીરો ટોલરન્સની નીતિમાં નિર્ણાયક અને ઐતિહાસિક મોડ છે.
 
ગૃહના નેતા ભૂપેન્દ્ર પટેલે આભાર પ્રસ્તાવની ચર્ચાનો પ્રારંભ કરતા કહ્યું કે, પીએમ મોદીએ દેશની સુરક્ષા અને જન-જનની રક્ષાને પણ તેમણે એટલું જ મહત્ત્વ આપીને એ માટે પણ અનેક ઐતિહાસિક અને હિંમતપૂર્વકના પગલાં ભર્યા છે. ઓપરેશન સિંદૂર આવું જ એક ઐતિહાસિક કદમ છે એમ તેમણે ઉમેર્યું હતું. મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે જો પોલિટીકલ વિલ હોય અને નેશનલ સિક્યુરિટી-રાષ્ટ્રહિત સર્વોપરિની ભાવના હોય તો દેશ વિરુદ્ધની કોઈપણ નાપાક હરકતોનો જડબાતોડ જવાબ આપી શકાય તે વડા પ્રધાનના નેતૃત્વએ પુરવાર કર્યું છે.
 
આપણા સુરક્ષા દળોએ ઉરીના આતંકી હુમલા સામે સર્જિકલ સ્ટ્રાઈકની એવી જવાબી કાર્યવાહી કરી કે પાકિસ્તાનની આંખો પહોળી થઈ ગઈ. બાલાકોટમાં આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરીને એરફોર્સે આતંકી તાલીમ કેમ્પ જ નષ્ટ કરી નાખ્યા અને પુલવામાં હુમલાનો વળતો જવાબ આપી દીધો.

પાકિસ્તાનને હજી તેની કળ વળી નથી અને ત્યાં જ આપણી સેનાએ ઓપરેશન સિંદૂરથી તો તેમની નાભિ પર જ સીધો પ્રહાર કર્યો હતો. આ ઓપરેશન સિંદૂરથી ભારતના બદલાયેલા ન્યુ નોર્મલ અભિગમ, અતિઆધુનિક ટેકનોલોજીની સજ્જતા અને મેક ઇન ઇન્ડિયાની સફળતાનો વિશ્વને પરિચય મળી ગયો છે. એટલું જ નહિ, આપણી માતા-બહેનોના સિંદૂર ઉજાડનારા આતંકવાદીઓને જડમૂળથી ખતમ કરવાની પ્રતિબદ્ધતાનું પ્રતીક પણ આ ઓપરેશન સિંદૂર બન્યું છે.
 

૨૨મી એપ્રિલે પહલગામમાં આતંકવાદીઓએ નિર્દોષ લોકોને તેમના ધર્મ વિશે પૂછ્યા પછી જે રીતે ગોળી મારી તે કૃરતાની પરાકાષ્ઠા હતી. આપણા જ ભાઈઓની તેમની પત્નીઓની નજર સામે હત્યા કરી દેવામાં આવી. આતંકવાદીઓનો ઈરાદો ફક્ત નિર્દોષ લોકોને મારી નાખવાનો જ ન હતો, પરંતુ દેશને હિંસાની આગમાં ધકેલી દેવાનો અને અરાજકતા ફેલાવવાનો વિચારપૂર્વકનો પ્રયાસ હતો.
 
પરંતુ, વડા પ્રધાને આ પ્રયાસને નિષ્ફળ બનાવવાનું મન બનાવી લીધું હતું. તેમણે સેનાની ક્ષમતા, હિંમત અને તાકાતમાં સંપૂર્ણ વિશ્વાસ સાથે સેનાને છૂટો દોર આપ્યો કે આ આતંકવાદી કૃત્ય કરનારાઓને જડ મૂળથી ઉખાડી ફેંકે. ક્યારે, ક્યાં ને કેવી રીતે નિર્ણય લેવા, બહેનોના સિંદૂર ઉજાડનારાઓને જીવનભર યાદ રહે તેવો સબક શિખવવા કઈ રીત અપનાવવી તે બધી સ્વતંત્રતા સેનાને આપી દીધી હતી એમ તેમણે ઉમેર્યુ હતું.

આપણ વાંચો:  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરિસરમાં વિરોધ પ્રદર્શન: NSUI અને પોલીસ વચ્ચે ઘર્ષણ, ગેટનો કાચ તૂટ્યો

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button