CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: કચ્છના ૧૯૪ તળાવો નર્મદાના પાણીથી છલકાશે; ૫૪૯૨ હેક્ટર જમીનને જીવન મળશે | મુંબઈ સમાચાર
Top Newsગાંધીનગર

CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: કચ્છના ૧૯૪ તળાવો નર્મદાના પાણીથી છલકાશે; ૫૪૯૨ હેક્ટર જમીનને જીવન મળશે

ગાંધીનગરઃ કચ્છના ખડીર વિસ્તારમાં નર્મદાના પુરના વધારાના પાણી વિતરણના આયોજન થકી નાના-મોટા તળાવ અને નાની સિંચાઈ યોજનાઓ પાઇપલાઈન દ્વારા ભરવામાં આવશે. જેના માટે રૂ. ૪૫૧.૬૭ કરોડના કામોને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપીને આ વિસ્તારના નાગરિકો-ખેડૂતો તેમજ પશુધનના હિતમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો તેમ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું.

૧૯૪ તળાવો અને ૬ નાની સિંચાઈ યોજનાઓમાં પાઈપલાઈન મારફતે પાણીથી ભરવામાં આવશે

પ્રધાન કુંવરજી બાવળીયાએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખડીર વિસ્તાર માટે પાણીની સમસ્યાના નિવારણ અને ભૂગર્ભ જળનો વ૫રાશ ઘટાડી ભૂગર્ભ જળ સપાટી ઉંચી લાવવા માટે નર્મદાના પૂરના વધારાના પાણીને પાઇપલાઇન દ્વારા પહોચાડવા માટેના આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ યોજના દ્વારા કચ્છ બ્રાંચ કેનાલમાંથી સુવઈ ડેમમાં પાણી ભરી તેમાંથી પમ્પીંગ સ્ટેશન મારફતે પાણી ઉપાડી, ભચાઉ તાલુકાના ખડીર વિસ્તારમાં આવેલા ૧૯૪ તળાવો અને ૬ નાની સિંચાઈ યોજનાઓમાં પાઈપલાઈન મારફતે પાણીથી ભરવામાં આવશે. આ યોજનામાં કુલ ૨૨.૦ MCM પાણીની જરૂરીયાત રહેશે તેમ, પ્રધાને ઉમેર્યું હતું.

આ ગામોને લાભ થશે

તેમણે કહ્યું હતું કે, આ યોજના હેઠળ ખડીર વિસ્તારમાં આવેલા ઐતિહાસિક અને યુનેસ્કોના વારસાની યાદીમાં સામેલ એવા ધોળાવીરા ઉપરાંત અમરાપર, બાંભણકા, બાપુઆરી, ગઢડા, ગણેશપર, જનાણ, કલ્યાણપુર, ખારોડા અને રતનપર એમ કુલ ૧૦ ગામોનો સમાવેશ થાય છે. આ યોજના અમલી બનવાથી ખરીફ અને રવિ સિઝનમાં આશરે ૫,૪૯૨ હેકટર વિસ્તારને સિંચાઈનો લાભ મળવાથી જમીન નવ પલ્લીત થશે. આ સિવાય ભૂગર્ભ જળસ્તરમાં સુધારો, પશુધનને પીવાનું પાણી મળી રહેશે તથા અછતની પરિસ્થિતિમાં થતા સ્થળાંતરણમાં ઘટાડો થશે. રાજ્યના અન્ય વિસ્તારની જેમ મા નર્મદાનું પાણી આ વિસ્તારમાં સામાજિક અને આર્થિક બદલાવ-વિકાસમાં મોટી ભૂમિકા ભજવશે તેવો પ્રધાન કુંવરજીબાવળિયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આપણ વાંચો : સોમનાથ મંદિરે રાષ્ટ્રપતિએ શિશ ઝુકાવ્યું: દેશના જનકલ્યાણ માટે પ્રાર્થના, ગીર નેશનલ પાર્કની પણ મુલાકાત લેશે

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button