
ગાંધીનગરઃ ગુજરાતમાં પ્રધાનમંડળ વિસ્તરણની ચર્ચા વચ્ચે ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. તેઓ પ્રધાનમંડળમાં ફેરફારનું લિસ્ટ લઈને ગયા હોવાની ચર્ચા થઈ રહી છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે તૈયાર કરેલા પ્રધાનમંડળના વિસ્તરણનું લિસ્ટ પર ફાઈનલ મંજૂરી કેન્દ્રિય નેતૃત્વ આપશે અને ત્યારબાદ ગુજરાતમાં પ્રધાનમંડળનો નવો ચહેરો જનતા સમક્ષ આવશે. સૂત્રોનું કહેવું છે કે રાત્રે જ મુખ્ય પ્રધાન દિલ્હીથી પરત આવી જશે.
હાલના પ્રધાનોમાંથી કોના પદ કપાશે અને કોને તક મળશે તેની છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ચર્ચા થઈ રહી છે. પાર્ટી હાઈકમાન્ડ અને રાજ્ય સરકાર વચ્ચે છેલ્લા કેટલાય અઠવાડિયાથી આ મુદ્દે ચર્ચા કરી રહ્યા છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાંથી નવા ચહેરાઓને સામેલ કરવામાં આવે તેવી ચર્ચા છે.
રાજ્યમાં એક સપ્તાહના ટૂંકાગાળામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના ગુજરાત પ્રવાસને જોતાં રાજકીય માહોલ ગરમાયો છે. આ સૂચક પ્રવાસને જોતાં આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં કઇંક નવાજૂની થશે તેવા એંધાણ વર્તાઇ રહ્યાં છે. જોકે એક ચર્ચા મુજબ આ વખતે પ્રધાન મંડળમાં સૌરાષ્ટ્રને પ્રાધાન્ય આપવામાં આવી શકે છે.
સૂત્રો મુજબ કેબિનેટમાં છથી સાત નવા ધારાસભ્યને પ્રધાનમંડળમાં સ્થાન મળી શકે છે. સૂત્રો અનુસાર અર્જૂન મોઢવાડિયા, સી.જે.ચાવડા, હાર્દિક પટેલ પ્રધાન બની શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાંથી કોઇ નવા ચહેરાને તક મળી શકે છે. બચુ ખાબડ, ભીખુસિંહ પરમાર અને મુકેશ પટેલ ગુજરાત સરકારના પ્રધાનો છે, પરંતુ તેમના પર લાગેલા વિવિધ આરોપો અને કૌભાંડોના કારણે તેમનું મંત્રીમંડળમાંથી હકાલપટ્ટી થવાની શક્યતા છે, એમ રાજકીય વર્તુળોએ દાવો કર્યો હતો.
આપણ વાંચો: પ્રતાપ દૂધાત પર હુમલાનો પ્રયાસ, સરદાર સન્માન યાત્રાથી પરત ફરતી વખતે બની ઘટના