મુખ્યમંત્રીએ 10 પ્રકારના કેન્સરનું સ્ક્રીનિંગ કરતી ‘આશા વાન’નું લોકાર્પણ કર્યું, ગ્રામીણ વિસ્તારોમાં દર્દીઓને રાહત થશે…

ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 10 પ્રકારના કેન્સરનું સ્ક્રીનિંગ કરતી આશા વાનનું લોકાર્પણ કર્યું હતું. તેનાથી ગ્રામીણ વિસ્તારના દર્દીઓને રાહત થશે. કેન્સરની વહેલી પ્રાથમિક તપાસ માટે કેન્સર સ્ક્રિનિંગ વાન ખૂબ મહત્ત્વપૂર્ણ સાબિત થશે.
કઈ કઈ સુવિધાઓથી સજ્જ છે આશા વાન
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની ભાવનગર બ્રાન્ચને જેનબર્ક ફાર્માસ્યુટિકલ દ્વારા ડોનેશન તરીકે આ આશા વાન ભેટ આપવામાં આવી છે. આ વાન EVA-Pro ડાયગ્નોસ્ટિક્સ, મેમોગ્રાફી યુનિટ અને નિષ્ણાંત ટેલી કન્સલટેશનથી સજ્જ છે.
કયા કયા કેન્સરનું થઈ શકશે સ્ક્રીનિંગ
ખાસ કરીને લંગ કેન્સર, ઓરલ કેન્સર, બ્લડ કેન્સર, સર્વાઈકલ કેન્સર, પેન્ક્રિયાટિક કેન્સર તેમજ લીવર કેન્સર, બ્રેસ્ટ એન્ડ પ્રોસ્ટેટ કેન્સર જેવા રોગોના નિદાન માટેનું સ્ક્રિનિંગ અલ્ટ્રા મોડર્ન ઇન્સ્ટ્રુમેન્શનથી આ વાન મારફતે જે તે સ્થળ પર થઈ શકશે. પીએમ નરેન્દ્ર મોદીએ હેલ્થ એન્ડ વેલનેસ ફોર ઓલનો જે ઉદાત ધ્યેય રાખ્યો છે તેને ગ્રામીણ સ્તરે વધુ ગતિ આપવામાં આ આશા વાન ઉપયુક્ત બનશે.
જેનબર્ક ફાર્માના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર આશીષ ભુતાના જણાવ્યા પ્રમાણે, કેન્સર ભૌગોલિક સીમાઓ વચ્ચે ભેદભાવ કરતું નથી, પરંતુ સ્ક્રીનિંગની સુવિધા ચોક્કસપણે ભેદભાવ રાખે છે. આ ‘આશા વાન’ ‘પેશન્ટ ફર્સ્ટ’ની ફિલોસોફીનું પ્રતિબિંબ છે. કેન્સરનું વહેલું નિદાન જીવન અને આજીવિકા બંને બચાવે છે.
આ પણ વાંચો…મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કેન્દ્ર પુરસ્કૃત આરોગ્યલક્ષી 10 મુખ્ય યોજનાઓની સર્વગ્રાહી સમીક્ષા કરી…



