ગાંધીનગર

બાળકો પર લટકે છે ડાયાબિટિસની તલવારઃ ગુજરાત સરકારે શુગર બૉર્ડ બનાવવાનો આપ્યો આદેશ

ગાંધીનગર: ગુજરાતમાં બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ગુજરાત શિક્ષણ બોર્ડે ખાંડના અતિશય સેવનને ઘટાડવા અને તેની જાગૃતિ લાવવા માટે રાજ્યની તમામ સ્કૂલોમાં શુગર બોર્ડ સ્થાપવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણયથી બાળકોને ખોરાકમાં ખાંડની માત્રા અને તેનાથી થતા જોખમો વિશે બાળકોને જાણકારી મળશે, જે તેમના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક બની શકે છે.

ગુજરાત શિક્ષણ બોર્ડે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ (ડીઈઓ)ને પરિપત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે કે, રાજ્યની દરેક સ્કૂલમાં શુગર બોર્ડ લગાવવા. આ બોર્ડમાં ખોરાક અને પીણામાં ખાંડનું પ્રમાણ, તેના જોખમો અને ખાંડની ડેલી લિમીટ વિશે માહિતી આપવામાં આવશે.

આપણ વાંચો: સ્વાસ્થ્ય સુધા: કાચાં કેળાં આરોગ્ય માટે ગુણકારી

આ પગલુ બાળકોમાં ટાઈપ-2 ડાયબિટીસ, દાંતની સમસ્યાઓ અને મેટાબોલિક વિકૃતિઓને ઘટાડવાના લક્ષ્યને સાધવા માટે લેવામાં આવ્યું છે, ઉલ્લેખનીય છે કે આ બિમારીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.

શિક્ષણ બોર્ડના જણાવ્યા મુજબ, 4થી 10 વર્ષના બાળકો દૈનિક કેલરીના 13% અને 11થી 18 વર્ષના 15% સુધી ખાંડનું સેવન કરે છે, જેને 5% સુધી ઘટાડવાની જરૂર છે. આ બોર્ડ સ્કૂલોમાં યોગ્ય જગ્યાએ લગાવીને બાળકોને વધુ પડતા ખાંડના જોખમોની માહિતી આપશે. ખાસ કરીને ચોકલેટ, શરબત અને બિસ્કિટ જેવા પદાર્થોમાં ખાંડનું પ્રમાણ દર્શાવવામાં આવશે.

આ ઉપરાંત, દરેક સ્કૂલોને સેમિનાર અને વર્કશોપનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે, જેથી શિક્ષકો અને માતાપિતા પણ જાગૃત થઈ શકે. બોર્ડમાં ખાંડના જોખમો, તેની સીમા અને સ્વસ્થ વિકલ્પો વિશેની માહિતી હશે. મહત્વનું છે કે, સીબીએસઈએ પણ મે 2025માં પોતાની સ્કૂલોમાં આવી જ ગાઈડલાઈન લાગુ કરવાની સૂચના આપી હતી, જેનાથી રાજ્ય સરકારનો આ પ્રયાસ રાષ્ટ્રીય સ્તરે પ્રભાવી બની શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button