મુખ્ય પ્રધાને રક્ષાબંધન પર વૃક્ષારોપણ કર્યું, બહેનોએ રાખડી બાંધી | મુંબઈ સમાચાર

મુખ્ય પ્રધાને રક્ષાબંધન પર વૃક્ષારોપણ કર્યું, બહેનોએ રાખડી બાંધી

ગાંધીનગરઃ હિંદુ સંસ્કૃતિમાં અનોખા એવા રક્ષાબંધન પર્વ નિમિત્તે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને સમાજના વિવિધ વર્ગોની બહેનોએ રક્ષા સૂત્ર રાખડી બાંધીને શુભેચ્છા પાઠવી હતી. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રક્ષાબંધનના પર્વ પર વૃક્ષારોપણ કરીને એક નવી પહેલ પણ કરી હતી.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને બ્રહ્માકુમારી સહિતની અન્ય સંસ્થાની બહેનો, વિવિધ શાળાની વિદ્યાર્થિનીઓ, પ્રજ્ઞાચક્ષુ બહેનો, દિવ્યાંગ બહેનો સહિત મોટી સંખ્યામાં બહેનોએ રક્ષાસૂત્ર બાંધીને રક્ષાબંધનના પાવન પર્વની ઉજવણી કરી હતી. રાજ્યની મહિલા ધારાસભ્યો, મહિલા પોલીસ કર્મચારીઓ અને રાજ્યના ખૂણે ખૂણેથી આવેલી બહેનોએ મુખ્ય પ્રધાનને રક્ષાસૂત્ર બાંધીને દીર્ઘાયુના આશીર્વાદ અને પ્રજાના કલ્યાણકારી કામો માટે સદાય કર્તવ્યરત રહેવાની શુભેચ્છા પણ પાઠવી હતી.

મુખ્ય પ્રધાન નિવાસસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન ભાનુબેન બાબરીયા, ગાંધીનગરના ધારાસભ્ય રીટાબેન પટેલ, મેયર મીરાબેન પટેલ ઉપરાંત ભાજપ પ્રદેશ મહિલા મોરચાની ટીમની હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા.

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારની સાધના વિનય મંદિરના વિદ્યાર્થીઓએ ઓપરેશન સિંદૂરની સફળતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનની ઝાંખી કરાવતી તૈયાર કરેલી ૧૦૦ ફૂટ લાંબી રાખડી મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સમક્ષ પ્રસ્તુત કરી હતી.

આ પણ વાંચો…રક્ષાબંધન: બહેને ભાઈને આપી કિડની, રક્ષાના વચન સાથે આપ્યું નવજીવન…

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button