મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન મોદીને મળ્યા, બંને વચ્ચે શું થઈ ચર્ચા ?

નવી દિલ્હી/ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. રાજ્યમાં નવા મંત્રીમંડળની રચના બાદ યોજાયેલી આ બેઠકમાં રાજ્યના વિકાસના રોડમેપ અને શાસનની પ્રાથમિકતાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા મુખ્યમંત્રીએ આ સંવાદને અત્યંત ઉર્જાવાન ગણાવ્યો હતો અને કહ્યું હતું કે ‘ટીમ ગુજરાત’ રાજ્યના સર્વાંગી વિકાસ અને જનકલ્યાણ માટે તેની પ્રતિબદ્ધતાને ફરીથી દોહરાવે છે.
પટેલે જણાવ્યું હતું કે, આ બેઠકમાં તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા યોજાયેલી ‘ચિંતન શિબિર’ દરમિયાન થયેલી વિચારણાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી, જેમાં “વિકસિત ગુજરાત”ના વિઝન અને આગામી વિકાસલક્ષી પહેલો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાને ભવિષ્યના આયોજન અને નીતિ વિષયક દિશા અંગે અમૂલ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ બેઠકને ગુજરાતના વિકાસના એજન્ડાને વ્યાપક રાષ્ટ્રીય વિઝન સાથે જોડવાના રાજ્ય નેતૃત્વના પ્રયાસોના ભાગરૂપે જોવામાં આવી રહી છે.
દિલ્હીમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગયા હતા, ત્યારે તેમણે વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી. દિલ્હીના કાર્યક્રમમાં બોલતા મુખ્યમંત્રીએ કહ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામાં રિયલ એસ્ટેટ ક્ષેત્રની ભૂમિકા અત્યંત મહત્વની છે. રિયલ એસ્ટેટ ડેવલપર્સની વિશેષ ભૂમિકા પર પ્રકાશ પાડતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, રિયલ એસ્ટેટ માત્ર જમીન, ઇમારત કે ચાર દીવાલો નથી, પરંતુ તે એ સ્થળ છે જ્યાં પરિવારના સપનાઓ સમાયેલા હોય છે, વેપાર-ધંધો સફળતા મેળવે છે અને લોકો સાથે મળીને પોતાના જીવનને ઉન્નત બનાવે છે.
મુખ્યમંત્રીએ ડેવલપર્સને અપીલ કરતાં કહ્યું કે, આપણે એવા મકાનો બનાવીએ જેમાં ભારતીયતાની મહેક હોય. વિદેશી ટેકનોલોજીથી ભલે પ્રેરણા લઈએ, પરંતુ ડિઝાઇન ભારતીય રાખીએ. કન્સ્ટ્રક્શનમાં ‘મેડ ઇન ઇન્ડિયા’નો સૂર હોય અને ઇમારતોમાં ભારતની વિરાસત તેમજ સંસ્કારો ઝળકતા હોય તેવા નિર્માણ કરીએ.
આ ઉપરાંત ગુજરાતના વિકાસનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, છેલ્લા 25 વર્ષથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાત વેલ-પ્લાન્ડ અર્બન ડેવલપમેન્ટ સહિત વિકાસનું રોલ મોડલ બન્યું છે. એટલું જ નહિં દેશનું સૌથી વધુ શહેરીકૃત રાજ્ય છે. ગુજરાતમાં સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ, ડિજિટલ લેન્ડ રેકોર્ડ્સ અને સમયબદ્ધ પરમિશન જેવી વ્યવસ્થાઓને કારણે ડેવલપર્સ રોકાણ કરવા આકર્ષિત થયા છે. ગ્રીન બિલ્ડિંગ, રિન્યુએબલ એનર્જી, વોટર કન્ઝર્વેશન અને વેસ્ટ મેનેજમેન્ટને પ્રોત્સાહન આપવાના કારણે ગુજરાત રિયલ એસ્ટેટ માટે શ્રેષ્ઠ સ્થાન બન્યું છે.
આ પણ વાંચો…સીએમ ભૂપેન્દ્ર પટેલે સુરતવાસીઓને 600 કરોડ રૂપિયાના વિકાસકામોની ભેટ આપી



