મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાણાં મંત્રી નિર્મલાના કાર્યક્રમમાં ગેરહાજર, જાણો શું છે કારણ ?

ગાંધીનગર: પાટનગર ગાંધીનગરમાં રવિવારે એક જોવા મળેલા દ્રશ્યની ચારેકોર ચર્ચા થઈ રહી છે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની હાજરીમાં આયોજિત રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ ‘આપકી પૂંજી, આપકા અધિકાર’ના લોન્ચિંગ સમારોહમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ગેરહાજર રહ્યા હતા. કેન્દ્રીય પ્રધાનની હાજરીમાં મુખ્ય પ્રધાનની આ ગેરહાજરીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ગાંધીનગર ટાઉન હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમનો હેતુ દેશભરની વિવિધ બેંકો અને નાણાકીય સંસ્થાઓમાં પડેલી બિનવારસી નાણાકીય સંપત્તિઓ (Unclaimed Financial Assets) વિશે જાહેર જાગૃતિ લાવવાનો હતો.
ગેરહાજરીનું કારણ: જગદીશ વિશ્વકર્માનો પદભાર
કાર્યક્રમમાં કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ સાથે ગુજરાતના નાણાં પ્રધાન કનુ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે રાજ્ય સરકારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈએ પોતાના સંબોધનમાં મુખ્ય પ્રધાનભૂપેન્દ્ર પટેલ થોડી જ વારમાં કાર્યક્રમમાં જોડાશે તેવી માહિતી આપી હતી, પરંતુ મુખ્ય પ્રધાન છેવટે સ્થળ પર પહોંચી શક્યા નહોતા.
સૂત્રોએ બાદમાં પુષ્ટિ કરી હતી કે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ તે જ સમયે ભાજપના પ્રદેશ હેડક્વાર્ટર કમલમ ખાતે આયોજિત એક અગત્યના રાજકીય કાર્યક્રમમાં વ્યસ્ત હતા. તેઓ જગદીશ વિશ્વકર્માએ ગુજરાત પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ તરીકે વિધિવત રીતે પદભાર સંભાળ્યો તે કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ બંને સ્થળો વચ્ચેનું અંતર લગભગ ૧૦ કિલોમીટર જેટલું હતું.
ગેરહાજરી ચર્ચાનો વિષય
જોકે મુખ્ય પ્રધાનની ગેરહાજરીને કાર્યક્રમના સમયના ઓવરલેપ તરીકે સમજાવવામાં આવી હતી, પરંતુ કેન્દ્રના સિનિયર પ્રધાનની હાજરીને કારણે ઉપસ્થિત લોકો અને નિરીક્ષકો વચ્ચે આ બાબત ધ્યાન બહાર રહી નહોતી. કેન્દ્રીય નાણાં પ્રધાન સીતારમણે આ કાર્યક્રમ દરમિયાન નાગરિકોને તેમની હકની રકમ પાછી મેળવવા માટે સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો અને લોકોને સત્તાવાર પોર્ટલ દ્વારા બિનવારસી સંપત્તિઓ ચકાસીને દાવો કરવા વિનંતી કરી હતી.
આ પણ વાંચો…સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં, પ્રધાનમંડળમાં ફેરફારનું લિસ્ટ લઈને ગયા હોવાની ચર્ચા