ગાંધીનગર

ગુજરાતમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કેન્દ્ર સરકારે 1078 કરોડ રૂપિયા મંજૂર કર્યા

ગાંધીનગર: ભારત સરકારના સેન્ટ્રલ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડમાંથી ગુજરાત સરકારને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો માટે 1078.13 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. જેના લીધે કુલ 564.57 કિલોમીટર લંબાઇના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો હાથ ધરવામાં આવશે. આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય માર્ગ પરિવહન-ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ રાજ્યના માર્ગો અને નેશનલ હાઇવે અંતર્ગતના પ્રોજેક્ટ્સની સમીક્ષા માટે ગત નવેમ્બર-2025માં ગાંધીનગરમાં યોજેલી ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. તેની બાદ હવે ગુજરાતને 1078.13 કરોડ રૂપિયાની રકમ રાજ્ય હસ્તકના માર્ગોના કામો હાથ ધરવા ફાળવવામાં આવી છે.

41 કામો હાથ ધરાશે

સી.આઈ.આર.એફની આ જે રકમ રાજ્ય હસ્તકના માર્ગોના કામો માટે મંજૂર કરવામાં આવી છે તેમાંથી કુલ 564.57 કિલોમીટર લંબાઇમાં વિવિધ 41 કામો હાથ ધરાવાના છે. જેમાં પાટણ, કચ્છ, બનાસકાંઠા, ખેડા, મહીસાગર, છોટાઉદેપુર, વલસાડ, અમરેલી, જામનગર અને વડોદરા જિલ્લાઓમાં સ્ટેટ હાઇવેના વાઈડનીંગના 11 કામોમાં કુલ 229.20 કિલોમિટરમાં હાથ ધરવા રૂ. 636 કરોડ મંજુર થયા છે.

7 કામો માટે 33.80 કરોડ રૂપિયા મંજૂર થયા

રાજ્યમાં રસ્તાઓના મજબૂતીકરણ અને રીસર્ફેસિંગના જે 23 કામો 335.37 કિલોમીટર લંબાઇમાં રૂ. 408.33 કરોડના ખર્ચે હાથ ધરાવાના છે તેમાં અમદાવાદ, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, તાપી, નવસારી, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, અમરેલી, સુરત અને જામનગર જિલ્લાઓના કામોનો સમાવેશ થશે. આ કામો ઉપરાંત સેન્ટ્રલ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ માંથી સ્ટ્રક્ચરના જે 7 કામો માટે 33.80 કરોડ રૂપિયા મંજૂર થયા છે તેમાં તાપી, સુરત અને ડાંગ જિલ્લાઓના કામો આવરી લેવાશે.

લોજિસ્ટિક્સ પરિવહનમાં સરળતા થશે અને ઝડપી બનશે

દેશમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્કને સંગીન બનાવીને કનેક્ટિવિટી તથા ઈઝ ઓફ ટ્રાન્સપોર્ટેશનને વેગ આપવાનો અભિગમ ગુજરાતમાં રાજ્ય હસ્તકના માર્ગોના કામો માટે ફાળવાયેલી આ રકમથી આવનારા દિવસોમાં સાકાર કરી શકાશે. તેમજ પી.એમ. ગતિશક્તિ અન્વયે લોજિસ્ટિક્સ પરિવહનમાં સરળતા થશે અને ઝડપી બનશે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button