ગીર જંગલમાં પરમિટનું કાળું બજાર? 800 રૂપિયાની ટિકિટ 20 હજારમાં વેચાતી હોવાની ફરિયાદ! | મુંબઈ સમાચાર
ગાંધીનગરજૂનાગઢ

ગીર જંગલમાં પરમિટનું કાળું બજાર? 800 રૂપિયાની ટિકિટ 20 હજારમાં વેચાતી હોવાની ફરિયાદ!

જૂનાગઢ/ગાંધીનગર: આજથી ગીર નેશનલ પાર્કમાં સાવજોનું વેકેશન પૂર્ણ થઈ ગયું છે અને પ્રવાસીઓ માટે સિંહ દર્શનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે સિંહ દર્શનની ઓનલાઈન પરમિટને લઈને મોટા પાયે સાયબર ફ્રોડ અને કાળા બજાર થતું હોવાની ગંભીર ફરિયાદ ગાંધીનગર સાયબર ક્રાઇમ, ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સમક્ષ કરવામાં આવી છે. સાસણ ગીર હોટેલ એસોસિએશને આ મામલે લેખિત ફરિયાદ કરીને તાત્કાલિક તપાસની માંગ કરી છે.

૨૦ મિનિટમાં જ ૧૮૦ પરમિટની બુકિંગ પૂર્ણ

હોટેલ એસોસિએશન દ્વારા ફરિયાદમાં ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે કે, જેમાં જણાવ્યું હતું કે તાજેતરમાં ૭ ઓક્ટોબર, ૨૦૨૫ થી અભયારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું છે અને તેની ઓનલાઈન પરમિટ પણ ખુલ્લી મુકાઈ છે. ખાસ કરીને ૨૬ ડિસેમ્બર, ૨૦૨૫ થી ૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ એટલે કે નાતાલ અને નવા વર્ષના ગાળાની તમામ પરમિટો અત્યારથી જ ફૂલ થઈ ગઈ છે.

એસોસિએશનના જણાવ્યા મુજબ, ૨૬ ડિસેમ્બરની કુલ ૧૮૦ ઓનલાઈન પરમિટો વિન્ડો ઓપન થયાના માત્ર ૨૦ જ મિનિટની અંદર ઓનલાઈન બુક થઈ ગઈ હતી, જે સામાન્ય રીતે શક્ય નથી. એવું જણાઈ રહ્યું છે કે આ તમામ પરમિટો કોઈ એક જ વ્યક્તિ અથવા જૂથ દ્વારા સિસ્ટમનો ઉપયોગ કરીને બુક કરવામાં આવી છે. આ ઉપરાંત, ૨૭ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ સુધીની પરમિટો પણ શંકાસ્પદ રીતે રાત્રિના સમયે બુક થયેલી જોવા મળી છે.

₹૮૦૦ની પરમિટ ₹૨૦,૦૦૦માં વેચાઈ રહી છે

ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, સામાન્ય રીતે રૂ. ૮૦૦ થી રૂ. ૧,૦૦૦ ની કિંમતની આ સિંહ દર્શન પરમિટોને હવે કાળા બજારમાં રૂ. ૨૦,૦૦૦ સુધીની ઊંચી કિંમતે પ્રવાસીઓને વેચવામાં આવી રહી છે. જેને કારણે સાસણમાં આવતા પ્રવાસીઓ આર્થિક રીતે લૂંટાઈ રહ્યા છે. સાસણ ગીર હોટેલ એસોસિએશનના પ્રમુખે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ, સાયબર ક્રાઇમને વિનંતી કરી છે કે આ બાબતે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો અભિપ્રાય લઈને તાત્કાલિક પૂર્ણ તપાસ કરવામાં આવે અને પ્રવાસીઓ લૂંટાય નહીં તેવા પગલાં લેવામાં આવે.

આ પણ વાંચો…ગીરના સિંહોનું ‘વેકેશન’ પૂરું: પ્રવાસીઓ માટે નિર્ધારિત સમય કરતાં વહેલા ખુલ્લા ગીર અભ્યારણ્યના દરવાજા

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button