ગુજરાતમાં ભાજપ નાયબ મુખ્ય પ્રધાનના નામની પણ જાહેરાત કરી શકે

ગાંધીનગરઃ ગુજરાતમાં આવતીકાલે પ્રધાન મંડળનું વિસ્તરણ થશે. સૂત્રો મુજબ ભાજપ 2021ની નો-રિપીટ થિયરીને અપનાવી શકે છે. વર્તમાન 16 સભ્યોના પ્રધાનમંડળમાંથી લગભગ એક ડઝન પ્રધાનને દૂર કરીને, અંદાજે 14થી 15 નવા પ્રધાનોનો સમાવેશ થાય તેવી શક્યતા છે. આ ઉપરાંત નાયબ મુખ્ય પ્રધાન (ડેપ્યુટી સીએમ) બનાવવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે. આ પદ માટે આદિવાસી પ્રધાનની નિમણૂક થશે તેવી અટકળો હાલ ચાલી રહી છે.
રાજ્યમાં છેલ્લે, વિજય રૂપાણીના મુખ્ય પ્રધાન પદ દરમિયાન નીતિન પટેલ નાયબ મુખ્ય પ્રધાન હતા.ભાજપને ગુજરાતના આદિવાસી પટ્ટા અને સૌરાષ્ટ્રમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેનું મુખ્ય કારણ આમ આદમી પાર્ટી આપનું ગ્રાઉન્ડ વર્ક છે. આ સાથે પાટીદાર અને ઓબીસી સમીકરણોને પણ સંતુલિત કરવાનો પડકાર છે. જેના કારાણે નાયબ મુખ્ય પ્રધાનની જાહેરાત કરવામાં આવે તેવી ચર્ચા છે.
ભાજપ 2027ની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પ્રધાન મંડળમાં ફેરબદલ કરી રહી છે, ત્યારે તે વિપક્ષને કોઈ તક આપવાના મૂડમાં નથી. આથી જ નવા પ્રધાનમંડળમાં લોકોને આકર્ષિત કરી શકે તેવા ઉર્જાવાન નેતાઓને સ્થાન આપવામાં આવી શકે છે. સૂત્રો મુજબ આ વખતે પ્રધાન મંડળનું કદ 20થી વધુ પ્રધાનોનું હોઇ શકે છે. જેના પગલે સ્વર્ણિમ સંકુલ-2ના બીજા અને ત્રીજા માળે પાંચ-છ ઓફિસોની સફાઇ શરૂ કરવામાં આવી હતી.
આપણ વાંચો: ગુજરાતમાં પ્રધાનમંડળ વિસ્તરણ પહેલા ભાજપને મોટો ફટકો, આ નેતા સમર્થકો સાથે કૉંગ્રેસમાં થયા સામેલ