ગુજરાતમાં ભાજપે પ્રમુખોની વરણી માટે બનાવ્યા નિયમો

ગાંધીનગરઃ તાજેતરમાં ગુજરાત ભાજપ (Gujarat BJP) દ્વારા બૂથ કમિટીઓ અને મંડલ પ્રમુખોની જાહેરાત કરવામાં આવી હતી. હવે મહાનગર અને જિલ્લા પ્રમુખોની નિમણૂક કરવામાં આવશે. આ મામલે 50 ટકા કામગીરી પૂર્ણ થયા બાદ પ્રદેશ પ્રમુખની ચૂંટણીનો કાર્યક્રમ હાથ ધરાશે.
આ માટે ભાજપે કેટલાક ધારાધોરણ નક્કી કર્યા છે. ઈચ્છુક દાવેદાર ફોર્મ ભરે તે બાદ ફોર્મની ચકાસણી કરવામાં આવશે. તેના બાદ નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાશે. નિરીક્ષકો જિલ્લા, મહાનગરોમાં જઈને ત્યાંના સ્થાનિક કાર્યકરો સાથે રૂબરૂમાં ચર્ચાવિચારણા કરશે. જેમણે ફોર્મ ભર્યા હશે તેમના અંગે મત લેવાનો પ્રયાસ કરશે.
આ પણ વાંચો: ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે કોની થશે પસંદગી? જાણો કયા નામોની છે ચર્ચા
પ્રમુખ માટેની દાવેદારી માટે ની શરતઃ
૧. વર્તમાન તેમજ પૂર્વમાં બે વખત સક્રિય સભ્ય બનેલા હોવા જોઈએ, જેની માહિતી ફોર્મ સાથે જોડવાની રહેશે. (સક્રિય સદસ્યતા પહોંચ – સક્રિય સદસ્યતા કાર્ડ – સક્રિય નંબર સાથે મહાનગર દ્વારા પ્રમાણિત પત્ર)
૨. જિલ્લા પ્રમુખ બનવા ઇચ્છુક કાર્યકર્તાએ મંડલ અધ્યક્ષ અથવા જીલ્લા/પ્રદેશ સ્તરે જીલ્લા/પ્રદેશની ટીમ, મોરચા, પ્રકલ્પમાં કામ કરેલુ હોવુ જોઈએ. (ફરજીયાત)
૩. જિલ્લા પ્રમુખ તરીકે મહિલાનો પણ સમાવેશ કરી શકાશે.
૪. પરિવારમાં એક કાર્યકર્તાને એક જવાબદારીનો નિયમ લાગુ પડશે. (બ્લડ રીલેશન પરિવાર ગણવો માતા-પિતા, ભાઈ, પુત્ર-પત્ની)
૫. જે જિલ્લા પ્રમુખ સતત બે ટર્મ જિલ્લા પ્રમુખ રહ્યા હોય તેઓને ફરીવાર રીપીટ કરવામાં આવશે નહીં.
૬. જિલ્લા પ્રમુખ બનવા માટે ઇચ્છુક વ્યક્તિ કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ન હોવા જોઇએ (આર્થિક અને ચારિત્ર્યની બાબતમાં કોઈ પોલીસ કેસ થયો હોય તેને લાગુ પડશે).
૭. પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરાયેલા વ્યક્તિ પ્રમુખપદની દાવેદારી કરી શકશે નહીં.