ગાંધીનગર

ગુજરાતના ખેડૂતો, દરિયાકાંઠાને લાભ; કેન્દ્રીય બજેટ પર ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યો આભાર

ગાંધીનગર: કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં કેન્દ્રીય બજેટ 2025-26 રજૂ કર્યું છે. કેન્દ્ર સરકારના બજેટને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આવકાર્યું છે અને તેમણે કેન્દ્ર સરકારનો આભાર માન્યો છે. તેમણે બજેટના વિવિધ પાસાઓનો ઉલ્લેખ કરીને કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.

વિકસિત ભારતના સંકલ્પને પાર પાડશે

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલ કેન્દ્રીય બજેટ-2025 દેશના ગરીબ અને મધ્યમ વર્ગના કરોડો નાગરિકોની આશાઓ-અપેક્ષાઓની પરિપૂર્તિ કરનારું છે. આ બજેટને સમગ્ર ગુજરાત વતી હું આવકારું છું. તેમણે કહ્યું હતું આ બજેટ વિકસિત ભારત 2047ના સંકલ્પને પાર પાડવાની ચેતના પૂરી પાડનારું છે.

બજેટઆમ ચાર એન્જિનને આવરી લેવાયા

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ બજેટની સૌથી મહત્વની વાત ગણાવતા કહ્યું હતું કે, “હવેથી 12 લાખ સુધીની આવક ધરવાનારાઓને ઇન્કમ ટેક્સમાંથી મુક્તિ મળી છે. દેશના મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગને આ બહુ મોટી રાહત છે અને તે માટે વડાપ્રધાનને અભિનંદન. આ બજેટ ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ આધારિત વિકાસને ગતિ આપનારું બજેટ છે. આ બજેટમાં કૃષિ, MSME,નિકાસ અને રોકાણના ચાર એન્જિનને આવરી લેવાયા છે.

તેમણે પ્રધાન મંત્રી કૃષિ ધનધાન્ય યોજનામાં દેશના ઓછી કૃષિ ઉત્પાદકતા જિલ્લાઓ માટે શરૂ કરવામાં આવી છે અને તેનાથી 1.70 કરોડ ખેડૂતોને લાભ મળશે તેમજ ગ્રામીણ વિકાસને વેગ મળશે અને સ્થાનાંતરને પણ અટકાવશે. તે ઉપરાંત કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદામાં વધારવામાં આવી છે તેનાથી પણ ખેડૂતોને ફાયદો મળશે.

ગુજરાતના ખેડૂતોને ફાયદો

કપાસ પકવતા ખેડૂતો માટે મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટીની જાહેરાત ગુજરાતના ખેડૂતોને ફાયદો કરાવશે. તેમણે કહ્યું હતું કે મેરીટાઇમ ઇન્ડસ્ટ્રી માટેની લાંબા ગાળાના ધિરાણની 25 હજાર કરોડની યોજના માટે મેરીટાઇમ ફંડની સ્થાપના કરવામાં આવી છે. તેનાથી ગુજરાતના લાંબા દરિયાકિનારાના ઉદ્યોગને વેગ મળશે. તેમણે કહ્યું હતું કે MSMEની વ્યાખ્યાને વિસ્તૃત કરવામાં આવતા તેનો ફાયદો ગુજરાતના MSME સેક્ટરને મળશે. ઉપરાંતત તેમણે શહેરી વિકાસ અને ગિફ્ટ સિટિના વિકાસના પ્રાવધાન માટે કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button