વિધાનસભાઃ કોંગ્રેસના કયા MLAએ પૂછ્યું અમારા લઈ ગયેલા ધારાસભ્યોને પરત આપવાનું કોઈ આયોજન છે કે કેમ? જાણો શું મળ્યો જવાબ

ગાંધીનગરઃ 15મી ગુજરાત વિધાનસભાના સાતમા સત્રનો આજથી આરંભ થયો હતો. વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરી દરમિયાન હળવી મજાક પણ થઈ હતી. કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે સવાલ કર્યો હતો કે, તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ અમારા લઈ ગયેલા ધારાસભ્યોને પરત આપવાનું કોઈ આયોજન છે કે કેમ? ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જવાબ આપતા જણાવ્યું કે, ધારાસભ્ય પરત લાવવા માટે પૂછી રહ્યા નથી પણ બીજેપીમાં આવવા માટે પૂછી રહ્યા હોઈ તેવું લાગી રહ્યું છે.
વિધાનસભા ગૃહમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંગે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું કે, રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં વર્ષ ૨૦૨૨ થી શરૂ કરવામાં આવેલી આ પહેલનો મુખ્ય ઉદ્દેશ વિવિધ પોલીસ સ્ટેશન ખાતે ચોરી, લૂંટ કે છેતરપિંડી જેવા ગુનાઓમાં કબ્જે કરવામાં આવેલા મુદ્દામાલને પરત મેળવવા માટે રાજ્યના નિર્દોષ નાગરિકોને ધક્કા ન ખાવા પડે અને ખૂબ જ ટૂંકા સમયમાં તે મુદ્દામાલ તેમને પરત મળે તે માટે ઝડપી કાર્યવાહી કરવાનો છે.
તેરા તુજકો અર્પણ અંતર્ગત રાજ્યમાં અત્યાર સુધી કુલ ૯૦૮૧ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જેમાં ૪૦,૮૧૧ લાભાર્થીઓને રૂ.૫૦૦ કરોડથી વધુ કિંમતનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો હતો. પ્રધાન સંઘવીએ ઉમેર્યું કે, આ કાર્યક્રમ અંતર્ગત છેલ્લા એક અઠવાડિયામાં ૧૧૨ કરોડનો મુદ્દામાલ નાગરિકોને પરત કરવામાં આવ્યો હતો.
પ્રધાને ઉમેર્યું કે, આ કાર્યક્રમ અંતર્ગત દરેક પોલીસ સ્ટેશન ખાતે કબજે થયેલા મુદ્દામાલ ખુબ જ ઓછા સમયમાં નામદાર કોર્ટમાંથી પરત સોંપવા અંગે હુકમ મેળવી તે મુદ્દામાલ લોક દરબાર/ જાહેર કાર્યક્રમ યોજી ફરીયાદી/અરજદારને પરત આપવાની કામગીરી કરવામાં આવે છે તેથી આ કાર્યક્રમ ખૂબ લોકપ્રિય થયો છે અને લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે.
આપણ વાંચો: તેરા તુજકો અર્પણઃ ગુજરાત પોલીસે ૫૦૦ કરોડથી વધુ કિંમતનો મુદ્દામાલ પરત કર્યો…