લિવ ઈન રિલેશનશિપનો વધુ એક ચોંકવનારો કિસ્સોઃ સગીર પ્રેમીએ તરછોડી, પ્રેમની પિતાએ પણ ઉઠાવ્યો ગેરલાભ | મુંબઈ સમાચાર
ગાંધીનગર

લિવ ઈન રિલેશનશિપનો વધુ એક ચોંકવનારો કિસ્સોઃ સગીર પ્રેમીએ તરછોડી, પ્રેમની પિતાએ પણ ઉઠાવ્યો ગેરલાભ

ગાંધીનગર: આજના યુવાનો યુવાનીના સમયમાં ઘણા ભૂલભરેલા અને ઉતાવળભર્યા નિર્ણયો લઈ લેતા હોય છે, જેના કારણે અંતે તેમને પછતાવાનો વારો આવતો હોય છે. યુપીના ગવર્નર અને ગુજરાતનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન આનંદી બહેન પટેલે તાજેતરમાં યુવતીઓને લીવ ઈન રિલેશનશિપ મામલે ચેતવી હતી. આવો જ એક કિસ્સો ગાંધીનગરથી સામે આવ્યો છે, જેમાં સુરેન્દ્રનગરના લીંબડીથી પ્રેમમાં પડીને એક સગીર યુવક સાથે ભાગીને ગાંધીનગર લિવ-ઇન રિલેશનશિપમાં રહેવા આવેલી ૨૩ વર્ષીય યુવતી લગ્ન કરવાના અરમાનો સાથે રહેતી હતી. હવે તેણે તેના સગીર પ્રેમીએ દુષ્કર્મ આચર્યું હોવાની અને પ્રેમીના પિતાએ પણ એકલતાનો લાભ લઈને શારીરિક અડપલાં કર્યા હોવાની ચોંકાવનારી ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગરના લીંબડીમાં કોલેજમાં અભ્યાસ કરતી યુવતીની ઓળખાણ તેની બહેનપણીના સગીર ભાઈ સાથે થઈ હતી. સગીર યુવક બહેનને કોલેજ મૂકવા-લેવા આવતો હોવાથી બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. દરમિયાન સગીરના પિતાની ગાંધીનગર બદલી થતાં પરિવાર અહીં સેક્ટર ૧૪માં રહેવા આવી ગયો હતો. જોકે, પ્રેમી પંખીડા એકબીજા વિના રહી શક્યા નહીં. પરિણામે, યુવતી ગત એપ્રિલમાં સગીર પ્રેમી સાથે લીંબડીથી ભાગીને ગાંધીનગર આવી ગઈ હતી. સગીરની લગ્નની ઉંમરમાં એક વર્ષ બાકી હોવાથી બંનેએ કાયદાકીય રીતે લિવ-ઇન રિલેશનશિપમાં રહેવાનું નક્કી કર્યું હતું.

પ્રેમીએ દુષ્કર્મ આચર્યું, પિતાએ પણ શારીરિક અડપલાં કર્યા

શરૂઆતમાં પ્રેમીના પરિવારે બંનેને સ્વીકારી લીધા હતા અને યુવતી સેક્ટર ૧૪માં રહેવા લાગી હતી. તે પ્રેમી પુખ્ત વયનો થાય અને બંનેના લગ્ન થાય તેની રાહ જોઈ રહી હતી. જોકે, ધીમે-ધીમે સગીર પ્રેમીના વર્તનમાં ફેરફાર આવ્યો હતો. યુવતીને જાણવા મળ્યું કે તેના પ્રેમીનું અન્ય યુવતી સાથે અફેર છે, જેનાથી તે આઘાતમાં સરી પડી હતી. આ બધા વચ્ચે, યુવતીનો એકલતાનો લાભ ઉઠાવીને પ્રેમીના પિતાએ પણ તેની સાથે શારીરિક અડપલાં કરવાનું શરૂ કર્યું હતું. પ્રેમીની બેવફાઈ અને ભાવિ સસરાની હરકતોથી કંટાળીને આખરે યુવતીએ પોતાના પરિવારનો સંપર્ક કર્યો હતો.

પિતા-પુત્ર સામે ફરિયાદ દાખલ

યુવતીએ આખરે ગાંધીનગરના સેક્ટર ૭ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. સેક્ટર ૭ પીઆઇ બી. બી. ગોયલે જણાવ્યું હતું કે, “યુવતી હાલ ૨૩ વર્ષની છે અને કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. સગીરની લગ્નની ઉંમરને એક વર્ષ બાકી હોવાથી બંને લિવ-ઇનમાં રહેતા હતા. યુવતીએ પ્રેમી વિરુદ્ધ દુષ્કર્મની અને તેના પિતા વિરુદ્ધ શારીરિક અડપલાં કરવાની ફરિયાદ નોંધાવી છે. આ મામલે પિતા-પુત્ર બંને વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.”

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button